આણંદ, તા.૧૧ 

રાજ્યના સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ માટે તેમજ અનુસૂચિત જાતિની કન્યા અને કુમારોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે, જેનાં ભાગરૂપે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે સંજીવની ડે સ્કૂલની સામે બાકરોલ કોલોની ખાતે અંદાજે રૂ. ૨૧૨૬.૭૭ લાખના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી શાળા કન્યા-કુમાર છાત્રાલયો સંકુલ ૧ અને ર તેમજ પીજી નવીન મકાનોનું તા.૧૩મી જુલાઇ, ૨૦૨૦ના રોજ સવારના ૧૧ઃ૧૫ કલાકે ઇ-લોકાર્પણ કરશે.

    રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની આદર્શ નિવાસી શાળા (કન્યા) છાત્રાલય જેમાં અનુસૂચિત જાતિની કન્યાઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે હેતુથી આણંદ જિલ્લામાં બાકરોલ ખાતે છાત્રાલય તથા શાળા વિભાગ મળીને બે માળના ૧૩૦૨.૦૨ ચોમીમાં અંદાજે રૂા. ૯૧૪.૩૫ લાખના ખર્ચે બાંધવામાં આવેલ આદર્શ નિવાસી શાળાનું નવું મકાન કે જેમાં છાત્રાલય વિભાગમાં વિદ્યાર્થીનીઓ માટે ૩૨- રૂમો, રીડીંગ રૂમ, કોમ્યુટર રૂમ, વિઝિટર રૂમ, રસોડુ, ભોજનાલય, કિચન વિથ પેન્ટ્રી, જનરલ સ્ટોર, વોટર કુલર વિથ આર.ઓ. પ્લાન્ટ, ગીઝર, વોશ એરીયા, લેડિઝ ૨૨ ટોયલેટ / બાથરૂમ બ્લોક વિગેરે છે. તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી કવાર્ટર તથા રીડીંગ રૂમ અને સિકયુરિટી ઓફિસમાં આધુનિક સગવડતા કરવામાં આવી છે. શાળાના કેમ્પસમાં રમતગમતના મેદાનની સગવડતા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જયારે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવા, બુટ મોજાં, ગણવેશ, સ્ટેશનરી- પુસ્તકો, રમતગમતના સાધનો, સામાયિકો વિગેરે અને વિદ્યાર્થીનીઓને તૈયાર ભોજન આપવામાં આવશે.

     આણંદ જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ડો.બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય (સંકુલ - ૧) રૂા.૪૫ર.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા/જમવા રમતગમતના સાધનો, સામાયિકો વિગેરે સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવશે.

આવી જ રીતે ડો.બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય (સંકુલ - ૨) વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ ખાતે રૂા. ૪૫૮.૨૧ લાખના ખર્ચે બે માળનું કુલ ૨૨૦૫ ચો.મી.નું બાંધકામ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા/જમવા રમતગમતના સાધનો, સામાયિકો વિગેરે સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવશે. છાત્રાલય વિભાગમાં વિદ્યાર્થીનીઓ માટે ૩૨ રૂમો, રીડીંગ રૂમ, કોમ્યુટર રૂમ, વિઝિટર રૂમ, રસોડુ, ભોજનાલય, કિચન વીથ પેન્ટ્રી, જનરલ સ્ટોર, વોટર કુલર વિથ આરઓ પ્લાન્ટ, ગીઝર, વોશ એરીયા, લેડિઝ ટોયલેટ બ્લોક વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.

 ડાૅ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય (સંકુલ - ૩)નું પીજી છાત્રાલય વિભાગ બે માળનું કુલ ૨૧૧૫ ચો.મી.નું બાંધકામ રૂા. ૩૦૨.૦૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેમાં છાત્રાલય વિભાગમાં વિદ્યાર્થીનીઓ માટે ૩૨ રૂમો સાથે ઉપર મુજબની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં ૩ - સરકારી કુમાર છાત્રાલય અને ૨ - સરકારી કન્યા છાત્રાલય અને સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે. ૩૦૦ - કુમાર અને ૨૦૦ – કન્યાઓ મળી કુલ - ૫૦૦ વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ રહ્યાં છે.