વડોદરા,તા.૨૯

ચૂંટણીનું વર્ષ આવતા જ કોરોનાની મહામારી વચ્ચે પણ કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહ્રત કરવામાં પાલિકાના શાસક પક્ષ અને વિપક્ષે વધુ એકવાર હાથ મિલાવીને અંદાજે ચૌદ કરોડના કામો મૂકી દીધા છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ૧૩.૮૯ કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોનો મેયર ડા.જિગીષાબેન શેઠના હસ્તે ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણનો કાર્યક્રમ સ્થાયી સમિતિ રૂમ ખંડેરાવ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં નૂલમ પ્રોજેક્ટ અંતર્ગત રૂ.૧.૭૧ કરોડના ખર્ચે લાલબાગ બ્રીજ નીચે રૂ.૨.૨૧ કરોડના ખર્ચે અક્ષર ચોક બ્રીજ નીચે અને રૂ.૧.૬૧ કરોડ ખર્ચે વડસર બ્રીજ નીચે મળી કુલ રૂ.૫.૫૩ કરોડના નવીન શેલ્ટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે પૈકી લાલબાગ બ્રીજ નીચે ૧૨૦ બેડ,અક્ષર ચોક બ્રીજ નીચે ૧૬૫ બેડ અને વડસર બ્રીજ નીચે ૧૩૫ બેડ મળી કુલ ૪૨૦ બેડની ક્ષમતા રહેશે, જેમાં દિવ્યાંગો માટે અલગ રૂમ ઉપરાંત શેલ્ટરમાં સ્ત્રીઓ–પુરુષો માટે ઇલાયદા સેનેટરીની વ્યવસ્થા સહિત ફેમીલી રૂમ,ડાયનીંગ રૂમ, કિચન, સી.સી.ટીવી.કેમેરા,ફાયર ફાયટીંગ,વિજળી ઉપકરણો અને પાણી-ડ્રેનેજ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

પૂર્વ ઝોનમાં કિશનવાડી ખાતે રૂ.૫.૪૪ કરોડના ખર્ચે નવીન અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સ્ત્રીઓ–પુરુષો માટે ઇલાયદા વોર્ડ, વ્યકિતગત કાઉન્સેલીંગ રૂમ, એકસ-રે રૂમ, સોનોગ્રાફી, લેબોરેટરી, ઓપરેશન થીયેટર વગેરે સાથે સ્ટ્રેચર લિફટ-રેમ્પ જેવી અનેક સુવિધાઓ ઉપરાંત ર્પાકિંગની વ્યવસ્થા અંદાજે ૫.૫૦ લાખ વસ્તીને ઉપલબ્ધ થશે. પૂર્વ ઝોનમાં બાવચાવાડ પાણીગેટ ખાતે રૂ. ૧.૨૯ કરોડના ખર્ચે તથા દક્ષિણ ઝોનમાં દંતેશ્વર ખાતેરૂ. ૧.૦૨ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ કરવામાં આવ્યાં, જેમાં સ્ત્રીઓ–પુરુષો માટે ઇલાયદા વોર્ડ, નાનુ ઓપરેશન થીયેટર, પ્રાથમિક સર્જરી રૂમ વગેરે સાથે ર્પાકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. શહેરના બાવચાવાડ પાણીગેટ અને દંતેશ્વર તથા તેના નજીકના વિસ્તારમાં રહેતાં નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થશે.

આશરે ૩૦૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૬૧ લાખના ખર્ચે સયાજીબાગ અતિથિગૃહ ખાતે નવીનીકરણ થયેલ સયાજીબાગ લોન(અતિથિગૃહ)નુ લોકાર્પણ કરવામાં આવ્યું. સયાજીબાગમાં આવેલ અતિથિગૃહ-૧, ર, ૩ અને લોનના ચારેય અતિથિગૃહો તથા ગાર્ડન ઓફિસ માટે વિશાળ પાર્કિગની વ્યવસ્થા સહિત લાઇટીંગ વ્યવસ્થા ઉભી કરી જેથી સીકયુરીટી જાળવી શકાશે. પ્રસ્તુત કાર્યક્રમમાં ડે. મેયર જીવરાજભાઈ ચૌહાણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષભાઈ પટેલ, ડે.મ્યુનિ.કમિશ્નર એસ. કે પટેલ અને ધવલ પંડ્‌યા, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, દંડક અલ્પેશ લિમ્બચીયા, મ્યુનિસિપલ સભાસદ રાજેશ આયરે તથા ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.