પરેશ પંડ્યા, વડોદરા,તા.૨૧,  

કોરોનાથી સર્જાયેલા લોકડાઉન અને બંધ કરાયેલા ટ્રેન સહિતના વાહન વ્યવહારને કારણે કેટલાયની જિંદગી હોડમાં મુકાઈ છે. કોરોનાએ અપડાઉન કરતા નાના મોટા ધંધા રોજગારવાળા અને નોકરિયાતોની રોજીરોટી તો છીનવી લીધી સાથોસાથ ધોબીના કુતરા જેવી હાલત કરી નાખી છે. તેઓ પૈકી મોટાભાગના પાસે ન ધંધો બચ્યો છે, ન રોજગાર બચ્યો છે. એક અંદાજ મુજબ ટ્રેનોમાં વડોદરાથી અમદાવાદ અને મુંબઈ તરફ રોજના ૨૦ હજાર જેટલા પાસ ધારકો અપડાઉન કરતા હતા.જે પૈકી ૭૫ ટકા જેટલા એટલેકે ૧૫ હજાર જેટલાએ પોતાની રોજગારી બંધ ટ્રેનોને લઈને ગુમાવી છે. આની આડ અસરના ભાગરૂપે કેટલાકના સંસાર પણ ભંગાણને આરે આવીને ઉભા રહયા છે. તો મોટાભાગનાને બે ટંકના ભોજનને માટે પણ સાંસા પડે છે.

આ કરૂણ વાસ્તવિકતા ઉપર પડદો ઉપાડતા ટ્રેનોમાં અપડાઉન કરનારાઓનું ૧૯૮૨-૮૩માં પાંચ હજાર સભ્યોથી એસોશિએશન શરુ કરનાર જગદીશ હરીયાણી -જેજેએ લોકસત્તા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, લોકડાઉનને કારણે જ્યારથી ટ્રેનો બંધ કરી છે ત્યારથી રોજગારીને માટે કે રોજીરોટીને માટે અપડાઉન કરનારાઓની સ્થિતિ કરુણતાભરી થઈ છે. બહારગામ અપડાઉન કરીને નોકરી કરનાર મોટાભાગનાની નોકરીઓ છૂટી ગઈ છે. તેઓને કોરોનાને કારણે સર્જાયેલી મંદીથી સ્થાનિક કક્ષાએ નોકરી મળતી નથી. જેથી કેટલાક નાની મૂડીનું રોકાણ કરીને શાકભાજી કે માસ્ક જેવી ચીજ વસ્તુઓનું વેચાણ ફેરણી કરવા મજબુર બન્યા છે. નોકરીઓ ઘટી જતા આર્થિક સંકડામણમાં આવી ગયા છે.કેટલાકની આર્થિક સ્થિતિ નબળી પડતા એની સાથોસાથ શારીરિક અને માનસિક સ્થિતિ પણ નબળી પડી છે. કેટલાય ડિપ્રેશનનો શિકાર બન્યા છે, તો કેટલાય વિવિધ પ્રકારના રોગોનો ભોગ બન્યા છે. જેમાં ખાસ કરીને તેઓમાં ડાયાબિટીક, બીપી જેવી બીમારીઓ નાની ઉંમરમાં ઘર કરી ગઈ છે. આ અપડાઉન કરનારાઓમાં કેટલાક લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો પણ સામેલ હતા. તેઓ ૧૫-૨૦ માણસોને રોજગારી પુરી પાડતા હતા. તેઓના વ્યવસાયને પણ માઠી અસર પહોંચતા વિકટ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પરંતુ આવા ઉદ્યોગોવાળાની સંખ્યા અપડાઉનમાં માત્ર પાંચ ટકા જેટલી હતી. જયારે ૯૫ ટકા રોજગારીને લઈને અપડાઉન કરનાર હતા. જેમાં નાના ધંધાઓ કરનાર, ફેરીવાળા વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં અનલોક પછીથી ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. પરંતુ માત્ર રિઝર્વ અને વિશેષ ટ્રેનો ચાલુ કરાઈ છે. આ ટ્રેનોમાં જો રોજિંદા અપડાઉન કરનારાઓને સ્થાન આપવામાં આવે તો અનેકને પુનઃ રોજગારી મળી શકે એમ છે,અન્યથા દેવાના ડુંગર તળે દબાયેલા કેટલાયના પરિવારોને સામુહિક આત્મહત્યા કરવાના દિવસો હવે બહુ દૂર રહયા નથી. કેટલાકે બસ મારફતે આવનજાવન ચાલુ કરી છે. પરંતુ એ અપડાઉન ટ્રેન જેટલું ફાસ્ટ અને સલામત નથી. તેમજ અત્યંત ખર્ચાળ પણ છે. જેથી જેઓ રોજ અપડાઉન કરતા હતા તેઓ ન છૂટકે સપ્તાહમાં એક વખત આ રીતે અપડાઉન કરીને પોતાનું ગાડું ગબડાવે છે. એમાંય એક બસ ભરાય તો બીજી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. જેને લઈને સમયની પણ બરબાદી થતા એની સીધી કે આડકતરી અસર રોજગારી પર પડે છે. આ ટ્રેનો બંધ થતા કેટલાક બહારગામ નોકરી કરનારાઓ જે તે નગરમાં સ્થાયી થવાને માટે ચાલ્યા ગયા હતા. તેઓના સંતાનોનું હાલમાં ભણતર બગડી રહ્યું છે. શાળાઓ ચાલુ થયા પછીથી એમના એડમિશનને માટે પણ સમસ્યા સર્જાવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. શાળામાં પ્રવેશ લેવાને માટે તેઓને આર્થિક તંગી પણ અસર કરશે. આવી અનેક સમસ્યાઓથી હાલમાં અપડાઉન કરનારાઓ ઘેરાયેલા હોવાનું તેઓએ ઉમેર્યું હતું. આ ઉપરાંત બસમાં ટ્રાવેલિંગ કરનારા થાકી જાય છે. જયારે ટ્રેનમાં આરામદાયક મુસાફરી થઇ શક્તિ હતી. આમ હાલના તબક્કે ટ્રેનમાં અપડાઉન કરનાર ૨૦ હજાર જેટલા પાસ ધારકો વિકટ સ્થિતિમાં મુકાઈ ગયા છે. ત્યારે એ બાબતે વિચારીને રેલવે દ્વારા પગલાં ભરાય એવી માગ ઉઠી છે.

શ્રાવણના દર સોમવારે સત્યનારાયણની કથા અને વર્ષમાં બારે માસ બ્લડ ડોનેશન કેમ્પો યોજે છે

વડોદરાથી અપડાઉન કરનાર પાસ હોલ્ડર્સ એસોશિએશન દ્વારા શ્રાવણ માસના દર સોમવારે ચાલુ ટ્રેને સત્યનારાયણની કથા કરવામાં આવતી હતી. તેમજ એનો પ્રસાદ સમગ્ર ટ્રેનમાં ઉપરાંત ટ્રેન જ્યાં જ્યા થોભે ત્યાં મુસાફરોને આપવામાં આવતો હતો. આ ઉપરાંત પાસ હોલ્ડરો દ્વારા બારે માસ બ્લડ ડોનેશન કેમ્પો યોજાતા હતા. જેમાં સાત કેમ્પ પ્રતિવર્ષ ફિક્સ હતા.આ ઉપરાંત કોઈને કોઈ અગ્રણીના જન્મદિવસે પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા હતા. આવાજ એક કેમ્પનું ૩૦ સપ્ટેમ્બરે આયોજન કરાયું છે.