વડોદરા, તા.૧૯ 

ભાવનગરથી મહારાષ્ટ્ર ગૌવંશ ભરીને કતલખાને લઈ જવાતો આઈશર ટેમ્પો કરજણ પોલીસે ભરથાણા ટોલનાકા પરથી ગત મધરાતે ઝડપી પાડયો હતો અને આઈશર ટેમ્પોચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી નાની મોટી વાછરડી, ગાયો મળીને કુલ ૧૩ ગૌવંશને બચાવાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કંઠારિયા ગામેથી લાલ આઈશર ટેમ્પોમાં લાલ કલરની પાંચ નંગ ગાયો, મોટી વાછરડી નંગ-પ અને નાની વાછરડી નંગ-૩ને મુશ્કેટાટ બાંધી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના વાલકી ગામે લઈ જવા ભરી હતી. આ ટ્રક બાબતે બાતમી મળતાં કરજણ હાઈવેના ભરથાણા ટોલનાકા પર આઈશર ટેમ્પોને આંતરી હતી અને ચાલક હસમુખ શિવાભાઈ ચૌહાણ (રહે. કુંભારવાડા, ભાવનગર) અને તેની સાથે બેઠેલો અજયનાથ ગોરખનાથ કાસાર (રહે. વાલકી ગામ, જિ. અહેમદનગર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી અને આઈશર ટેમ્પોમાંની તાડપત્રી ખોલી તપાસ કરતાં ૧૩ નંગ ગૌવંશ મળી આવ્યા હતાં. કરજણ પોલીસે આ બનાવનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.