વડોદરા, તા.૧૨

શહેરમાં ૨૪ કલાક વાહનવ્યવહારથી ધમધમતા અમિતનગર સર્કલથી સમા-સાવલી રોડ તરફ જવાના માર્ગ ઉપર આજે સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં લાકડાં ભરેલ પીકઅપવાન પૂરઝડપે પસાર થતી હતી તે દરમિયાન એક્ટિવાચાલકને અડફેટે લઈ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પીકઅપવાન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતની ઘટનાને પગલે હરણી પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી અને ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના ન્યુ સમા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્સ સામે આવેલ મહાકાલી સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ (ઉં.વ.૬૦) આજે સવારે એક્ટિવા લઈને કામકાજ માટે કારેલીબાગ અમિતનગર સર્કલથી સમા-સાવલી રોડ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ રોડ પર પૂરઝડપે પસાર થતા લાકડાં ભરેલ પીકઅપ વાહનના ચાલકે અજિતાનગર પાસે ઈશ્વરભાઈ પ્રજાપતિની એક્ટિવાને પાછળથી જાેરદાર ટક્કર મારી હતી, જેથી તેઓ ચાલુ એક્ટિવા ઉપરથી રોડ પર પટકાયા હતા, જેથી તેમને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને કારણે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં અને એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. અકસ્માત સજ્ર્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતના બનાવની જાણ હરણી પોલીસ મથકને તેમજ તેમના સગાસંબંધીને કરવામાં આવતાં તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસ અને સગાઓએ ટક્કર મારનાર વાહનચાલકને ઝડપી પાડવા માટે સીસીટીવીની તપાસ કરતાં સીસીટીવી મળી આવ્યા ન હતા. આ બનાવ અંગે પોલીસે કાયદેસરને કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.