રાજકોટ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે દરેક રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ઈવીએમ પર લગાવામાં આવેલા ભાજપના ચૂંટણી ચિહ્નને લઈને વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ભાજપના સિમ્બોલને મોટો રાખવામાં આવ્યો છે. આટલું જ નહીં ભાજપના ચિહ્નને વધારે ઘાટુ રાખવામાં આવ્યું છે.

જેથી મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓની પ્રથમ નજર ભાજપના સિમ્બોલ પર પડે. ભાજપે કોંગ્રેસના તમામ આરોપોને વખોડી નાંખતા જણાવ્યું છે કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પોતાની હાર ભાળી ગઈ છે. આથી આવા પાયાવિહોણા આરોપ મૂકી રહી છે. ચૂંટણી પંચ સ્વતંત્ર હોય છે અને તેનું તમામ સાહિત્ય સરકારી ઓફિસમાં છપાય છે. જણાવી દઈએ કે, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આગામી ૨૧ તારીખે મતદાન યોજાવાનું છે. જેને લઈને રવિવારે તમામ પાર્ટીના નેતાઓને ચૂંટણી અધિકારી દ્વારા વોટિંગ મશીનના ડેમો માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના હેમાંગ વસાવડા પણ પહોંચ્યા હતા. જેમણે વોટિંગ મશીનમાં ભાજપનું સિમ્બોલ મોટું અને વધારે ઘાટ્ટું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ તરફથી આ મામલે ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે.