સુરત-

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો પૈકી અનેક કરોડપતિ છે, જ્યારે કેટલાક ઉમેદવાર સ્નાતક પણ નથી. ભાજપના ઉમેદવારો માટે સૌથી ધનાઢ્ય એવા ક્રેડાઇના સેક્રેટરી અને બિલ્ડર દીપેન દેસાઈ છે. જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બીજી બાજુ સંજય દલાલ કરોડપતિ હોવા છતાં ધોરણ 8 પાસ છે. આ સાથે જ 22 વાહનો ધરાવનારા પટેલે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે.

ભાજપે 17 ગ્રેજ્યુએટ, 12 વકીલ , 3 એન્જિનિયર અને 3 ડૉક્ટરને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે 8 ગ્રેજ્યુએટ,12 વકીલ, 6 બી.એડ એન્જિનિયરને ટિકિટ આપી છે. ભાજપના એક ઉમેદવારો તો પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આમ બન્ને પક્ષોએ ઓછું ભણેલા અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારને ટિકિટ આપવામાં પણ જાણે બરાબરની સ્પર્ધા કરી હોય તેવું ચિત્ર દેખાય છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ તરફથી જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તેમાંથી 12 ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસમાંથી 7 ઉમેદવારે પોતાના એફિડેવિટમાં પોતાને કરોડપતિ ગણાવ્યા છે. આ સાથે જ બન્ને પાર્ટીમાં ઘણા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સ્કૂલ સુધી જ સીમિત છે.