આણંદ : અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી લઇને કોંગ્રેસે સરકારી પ્રતિનિધ નોમીની સામે કાનૂની પ્રશ્ન ઊઠાવતાં મામલો ઘોંચમાં પડ્યો હતો. અમૂલ ડેરીની ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસ ડિરેક્ટર્સે હાઇકોર્ટમાં અરજી કરીને સરકારી પ્રતિનિધી નિમવા સામે વિરોધમાં ઊઠાવ્યો હતો. હાઇકોર્ટે આ અરજીને પ્રિ-મેચ્યોર એટલં કે કવેળાની ગણાવીને નિકાલ કરી દીધો હતો. પરિણામે હવે જિલ્લા કલેક્ટરના સોગંદનામા અનુસાર આગામી તા.૨૫મી ઓક્ટોબર સુધીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અગાઉ ભાજપ દ્વારા અમૂલની સત્તા હસ્તગત કરવા માટે બે સરકારી પ્રતિનિધી નિમાવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી. પરિણામે કોંગ્રેસ સમર્પિત ડિરેક્ટર્સ કાંતિભાઇ સોઢા પરમાર અને રાજેન્દ્રસિંહ પરમારે હાઇકોર્ટના દરવાજા ખટખટાવીને સરકાર દ્વારા પોતાના પ્રતિનિધીઓ નિમવા અંગેની દાદ માગી હતી, જેનાં પર હાઇકોર્ટના જજ એ.વાય. કોગઝેની કોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. આ અરજી પ્રિ-મેચ્યોર હોવાનું જણાવીને જજે તેનો નિકાલ કરી દીધો હતો. પરિણામે હવે કલેક્ટર દ્વારા કરાયેલાં સોગંદનામાં મુજબ આગામી ૨૫મી પહેલા અમૂલના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની સંભાવના ઊભી થઈ છે.