ગાંધીનગર-

રાજ્યમાં શિક્ષિત બેરોજગારોએ ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ ટ્વિટરનાં માધ્યમથી એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં તેમણે '#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી' ના હેશટેગ સાથે સરકાર સામે લાલ આંખ કરી છે. શિક્ષિત બેરોજગારોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો સરકાર અમને રોજગારી નહીં આપે તો અમે 10 લાખ બેરોજગારો રાજ્યમાં આવનારી પેટાચૂંટણી અને પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે.  

#પહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ સાથે ગુજરાતના યુવાનો સીધો સંદેશ સરકારને અપાયો છે કે, જ્યાં સુધી સરકાર યુવાનોના બેરોજગારી અને જે સરકારી ભરતી પ્રક્રિયા અટકી પડી છે એના મુદ્દાનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી ચૂંટણી કરવાનો પણ એને કોઈ હક નથી. જો એવું થશે તો ચૂંટણીનો બહિષ્કાર થશે. આજના હૅશટૅગ એના માટે છે. જો ચૂંટણીની તારીખ જાહેર થઈ શકતી હોઈ તો પરીક્ષાની તારીખ કેમ જાહેર ના થઈ શકે. સરકાર બેરોજગારીનું પહેલા વિચારે પછી ચૂંટણીનું વિચારે. જો સરકારને ગુજરાતના બેરોજગારોની ચિંતા હશે તો કંઇક નિર્ણય લેશે. બાકી સમજી લેવાનું કે સરકારને બેરોજગારોની નહીં, ફકત પોતાની શીટ અને ચૂંટણીની જ ચિંતા હશે. જોકે યુવાનોની આ મુહિમથી સરકારની ચિંતામાં વધારો થયો છે.