આણંદ-

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત માટેની ચૂંટણી આગામી તા. 23 ના રોજ સવારના 11:00 અમૂલના સભાખંડમાં યોજવાનું વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે એક તરફ રાજ્ય સરકાર દ્વારા પોતાના 3 પ્રતિનિધિઓને નિમણુક નિયામક મંડળમાં મુકવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. તેની સુનામણી 20મી ઓક્ટોબરના રોજ રાજ્ય રજીસ્ટારમાં યોજાનાર છે. ત્યારે 23મીએ યોજાનાર ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રે હલચલ તેજ થવા પામી છે.

14 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા અમૂલના નિયામક મંડળની ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ નંબર 80 હેઠળ ત્રણ પ્રતિનિધિઓ ભરતભાઈ પટેલ, પ્રભાતભાઈ ઝાલા,દિનેશભાઈ પટેલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને લઇને ગુજરાત રજિસ્ટ્રારે ચૂંટાયેલા 15 ડિરેકટરોને કારણદર્શક નોટિસ જારી કરીને આ પ્રતિનિધિઓની નિમણૂક પહેલા રજૂઆત કરી હોય તો તે તમામ આધાર પુરાવા સાથે તા.20મીના રોજ સવારના 11:00 ગાંધીનગર સ્ટેટ રજીસ્ટ્રારની કચેરી ખાતે સુનાવણી રાખી હોવાનું જાણવા મળેલ છે. તે દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું. જેમાં આગામી 23મી ઓકટોબરના રોજ સવારે 11:00 અમૂલના સભાખંડમાં ચૂંટણી યોજાશે. ત્યારે જાહેરનામું બહાર પડતાં જ રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.