ગોપાલગંજ-

બિહારના ગોપાલગંજમાં એક લગ્ન સમારોહમાં માછલીનો મનપસંદ ટુકડો (માથાનો ભાગ) ખાવાને લઈને ખુબ જાેરદાર લડાઈ થઈ. મળતી માહિતી મુજબ માછલીનો આ ટુકડો ખાવા માટે પહેલા તો ખુબ ઉગ્ર ચર્ચા થઈ અને ત્યારબાદ આ વિવાદ એટલો વધ્યો કે નોબત હાથાપાઈ પર આવી ગઈ. ૧૧ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

આ મામલો ભોરે પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સિસઈ ટોલાના ભટવલિયા ગામનો છે. ભટવલિયા ગામમા રહેતા છઠૂ ગોંડના ત્યાં જાન આવી હતી. જાનૈયાઓની સરભરા કરવા માટે માછલી અને ભાતની વ્યવસ્થા કરાઈ હતી. રાજૂ ગોંડ અને મુન્ના ગોંડ જાનૈયાઓને માછલી અને ભાત ખવડાવી રહ્યા હતા. છઠૂ ગોંડના પાડોશી અજય ગોંડ અને અભય ગોંડ પણ પોતાના ઓળખીતા લોકોને લઈને આવ્યા હતા અને માછલી તથા ભાત ખાવા માટે બેસી ગયા. પહેલા રાઉન્ડમાં તેમને ૨-૨ ટુકડા માછલીના પીરસવામાં આવ્યા. અહીં સુધી તો બધુ બરાબર હતું. બીજા રાઉન્ડમાં તેમણે માછલીના માથાની ફરમાઈશ કરી. માછલીનું માથું ન આપતા ખાવાનું પીરસી રહેલા અજય-અભય અને તેમની સાથે આવેલા મહેમાન એટલા નારાજ થયા કે તેમણે ખાવાનું પીરસી રહેલા રાજૂ અને મુન્નાની પીટાઈ કરી નાખી.

હંગામો અને મારપીટની સૂચના મળતા જ છઠૂ ગોંડ પણ ત્યાં પહોંચી ગયા. જાેત જાેતામાં તો લગ્નના જશ્નનો માહોલ જંગમાં ફેરવાઈ ગયો. મારપીટ દરમિયાન એકબીજા પર ખુરશીઓ પણ ઉછળી. હિંસામાં બંને પક્ષના ૧૧ લોકો ઘાયલ થયા. હાલા વધુ બગડે તે પહેલા ગામવાળા ત્યાં આવી ગયા અને સ્થિતિ સંભાળી, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. ઘાયલોમાંથી અનેકની હાલાત ગંભીર છે. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે બંને પક્ષ તરફથી નિવેદન લઈને કાર્યવાહી કરવાની વાત કરી છે. ગોપાલગંજમાં લગ્ન સમારોહ દરમિયાન આવી બબાલ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ ઉચકાગાંવના પોલીસ મથકની હદના નરકટિયા ગામમાં પૂરી ભાજી ખાવા અંગે વિવાદ થયો હતો. હિંસામાં ફાયરિંગ પણ થયું જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો.