06, જુન 2025
28809 |
નવી દિલ્હી, વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ઇલૉન મસ્કની સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને ભારતમાં એક જરૂરી લાયસન્સ મળી ગયું છે. મસ્કની કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા ઇચ્છે છે. ન્યૂઝ એજન્સી અનુસાર, ભારતીય ટેલીકોમ મિનિસ્ટ્રીથી મસ્કની કંપનીને એક મહત્ત્વપૂર્ણ લાયસન્સ મળી ગયું છે.
આ સાથે જ કંપની ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા તરફ આગળ વધી રહી છે. સ્ટારલિંક ત્રીજી કંપની છે, જેણે ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશને લાયસન્સ આપ્યું છે. આ પહેલા વન વેબ અને રિલાયન્સ જિયોને પણ સેટેલાઇટ સર્વિસ શરૂ કરવાનું લાયસન્સ આપી દીધું છે.
સ્ટારલિંક પર વાત કરતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, સ્ટારલિંકની સેટેલાઇટ સર્વિસ ટેલીકોમ્યુનિકેશનના કલગીમાં એક નવા ફૂલની જેમ છે. પહેલાના સમયમાં માત્ર ફિક્સ્ડ લાયસન્સ હતી અને તેમણે પણ મેન્યુઅલી રોટેટ કરવા પડતા હતા. આજે આપણી પાસે બ્રૉડબેન્ડ કનેક્ટિવિટીની સાથે મોબાઇલ કનેક્ટિવિટી પણ છે. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીને પણ સ્થાપિત કરી દેવાઈ છે. સેટેલાઇટ કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે, કારણ કે રિમોટ એરિયામાં આપણે તાર ન પાથરી શકીએ અથવા ટાવર ન લગાવી શકીએ. જ્યાં કનેક્ટિવિટીને માત્ર સેટેલાઇટથી જ સારી કરી શકાય છે.
શું છે સ્ટારલિંક?
સ્ટારલિંક, ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સની એક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે. આ લો અર્થ ઓર્બિટ (લિઓ) સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ છે. જેની મદદથી દુનિયાના દૂરના વિસ્તારોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે સ્ટારલિંકની સર્વિસ ભારતમાં
લોન્ચ થશે.
જિયો અને એરટેલ સાથે ટક્કર થશે
ભારતમાં આ કંપનીનો સીધો મુકાબલો રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના વન વેબસાથે થશે. જાે કે, હાલમાં જ સ્ટારલિંકે આ બંને કંપનીઓ સાથે ભાગીદારીનું એલાન કર્યું હતું. આ એલાન સ્ટારલિંકની કિટ અને હાર્ડવેર ડિસ્ટ્રિબ્યૂશનને લઈને છે. સ્ટારલિંક કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે અને ભારતમાં તેની સર્વિસ શરૂ થવામાં હજુ સમય લાગશે.
લોકોને કેટલો ફાયદો, કેટલી કિંમત હશે?
હવે સવાલ છે કે સ્ટારલિંક કે પછી સેટેલાઇટ ઇન્ટરનેટ કઈ સુવિધાથી લોકોને વધુ ફાયદો મળશે. રિમોટ એરિયામાં તેનાથી કનેક્ટિવિટી સરળ થઈ જશે. સેટેલાઇટ ઇન્ટરનેટના કારણે આવા એરિયામાં પણ સારી સ્પીડ મળશે. જાે કે, આ સર્વિસ કઈ કિંમતમાં લોન્ચ થશે, તે પણ મોટો સવાલ છે. અત્યાર સુધીના અંદાજ અનુસાર, કંપનીની સર્વિસ મોંઘી હશે. સ્ટારલિંકની કિટ માટે તમારે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. માસિક અને વાર્ષિક પ્લાન પણ રેગ્યુલર બ્રોડબેન્ડ પ્લાનની સરખામણીમાં ખૂબ મોંઘા હશે.