વડોદરા, તા. ૧૨

શહેરના સંવેદનશીલ વિસ્તાર ધરાવતા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ અને એક અપરિણીત મહિલા કોન્સ્ટેબલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઈલુ ઈલુ ચાલતુ હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાના ચકડોળે ચઢી છે. આ મહિલા કોન્સ્ટેબલ સાથે પીઆઈની નિરાલી પ્રેમકથામાં પીઆઈ દ્વારા પોલીસ મથકની અન્ય મહિલા કર્મચારીઓ સહિતના સ્ટાફને કામગીરી, રજા અને નાઈટ ડ્યુટીના મુદ્દે ભારોભાર અન્યાય થતા કર્મચારીઓ પણ આ બંનેમાંથી કોઈની એકની અન્ય પોલીસ મથક કે હેડક્વાટર્સમાં બદલી થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

શહેરના પોલીસ તંત્રમાં હવાની જેમ ફેલાઈ રહેલી ચર્ચા મુજબ સંવેદનશીલ વિસ્તારવાળા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ તેમના જ પોલીસ મથકની એક અપરિણીત સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલ પર ફીદા થઈ જતા બંને વચ્ચે ચારેક માસથી ઈલુ ઈલુ શરૂ થયું છે.

પીઆઈની માનીતી હોવાના કારણે મહિલા કોન્સ્ટેબલ આ તકનો પુરેપુરો લાભ લઈ રહી છે જેના કારણે પોલીસ મથકના અન્ય સહકર્મચારીઓમાં તેની વિરુધ્ધ રોષ ફેલાયો છે.

પોલીસ બેડામાં વહેતી થયેલી વાત મુજબ રોજ ટીપટોપ તૈયાર થઈને આવતી આ સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલને પીઆઈ કોઈ તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને તેના કારણે આ મહિલા કોન્સ્ટેબલને ચાલુ ફરજે પણ પોતાના અંગત કામ માટે ગમે ત્યારે અને મનફાવે તેટલા સમય માટે બહાર જવા માટે છુટ મળે છે જયારે અન્ય કર્મચારીઓને લગ્ન કે મરણ જેવા પ્રસંગમાં પણ એકાદ-બે કલાક માટે બહાર જવાની પીઆઈ છુટ આપતા નથી. એટલુ જ નહી રજાના મુદ્દે પણ પીઆઈ દ્વારા વ્હાલાદવલાની નિતિ અપનાવી છે અને તે સ્થાનિક કર્મચારીઓને તમે તો વડોદરામાં જ રહો છે તમને રજાની ક્યાં જરૂર છે તેમ કહી રજા મંજુર કરવા માટે આનાકાની કરે છે.

એટલુ જ નહી એક ચર્ચા એવી પણ છે કે આ કોન્સ્ટેબલ મહિલા નાઈટ ડ્યુટીનો વિરોધ કરતી હોઈ તેના ભાગે નાઈટ ડ્યુટી સોંપાતી નથી અને જાે તેને નાઈટ ડ્યુટી સોંપાય તો તેને ડ્યુટી સોંપનારનો પીઆઈ બધાની સામે ઉઘડો લઈ લે છે. પીઆઈ દ્વારા માત્ર આ મહિલા કોન્સ્ટેબલની સ્પષ્ટ તરફેણ કરી અન્ય કર્મચારીઓને ભારોભાર અન્યાય કરતા હોઈ બાકીના સ્ટાફમાં પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલના ઈલુ ઈલુને લઈને ભારે રોષ ફેલાયો છે અને આ બંનેમાંથી કોઈ એકની આ પોલીસ મથકમાંથી બદલી થાય તેવી પણ સ્ટાફ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે.

ખાખી વર્દીમાં દિવસભર ૧૩૫ માવો ખાઈ પિચકારીની કુટેવ

અગાઉ પણ પોતાની કામગીરીના કારણે વિવાદમાં સપડાયેલા ઉક્ત પીઆઈ ૧૩૫ માવો અને દિવસભર ચાની ચુસ્કીના ભારે શોખીને છે. તેમની પર એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે તે ખાખી વર્દીમાં હોવા છતાં દિવસભર મોંઢામાં તમાકુયુક્ત ૧૩૫ની પડીકીનો માવો ભરી રાખે છે અને કેબિનમાં ખુરશી પાસે મુકેલી ડોલમાં પિચકારીઓ મારે છે. આ રીતે તેમણે અગાઉ અન્ય એક પોલીસ મથકની દિવાલ પિચકારીઓ મારીને ગંદી કરી નાખી હોવાના આક્ષેપોની પણ ચર્ચા છે.

રંગીન મિજાજના પીઆઈ ‘ડબલ-બ્લેક’ના નામે પણ જાણીતા

પોતાના પોલીસ સ્ટેશનની જ યુવાન કોન્સ્ટેબલ સાથે કથિત ઈલુ ઈલુ પ્રકરણમાં સંડોવાયેલા હોવાનું કહેવાતા પીઆઈ છાંટો પાણી કરવાના પણ શોખીન હોવાનું કહેવાય છે અને તે પોલીસ મથકના વહીવટદાર પાસેથી ‘ડબલ-બ્લેક’ સ્કોચ વ્હિસ્કી જ મંગાવતા હોવાની ચર્ચા હોઈ આ પીઆઈ ડબલ-બ્લેકના નામે પણ સ્ટાફમાં જાણીતા છે.