પાવીજેતપુર -

છોટા ઉદેપુર જીલ્લામાં નરેગા કૌભાંડ અટકવાનું નામ નથી લેતું, બોડેલી તાલુકાનાં ચૂંધેલી ગામમાં નરેગાના બોગસ જોબ કાર્ડ બનાવીને રૂપિયા ઉપાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સરકારી કર્મચારીઓના નામના પણ જોબ કાર્ડ બનાવીને રૂપિયા ઉપડ્યા હોવાનું બહાર આવ્યું હતું.

બોડેલીના ચૂંધેલી ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અરજી ગામના કેટલાક જાગૃત નાગરીકોએ તાલુકા વિકાસ અધીકારી, જીલ્લા વિકાસ અધીકારી, અને ધારાસભ્યને કરી છે. આ અરજીમાં જણાવ્યા પ્રમાણે ગામના કેટલાક માલદાર લોકોના નામના જોબ કાર્ડ બનાવીને નરેગામાં મજૂરી કરી હોવાનું અને તેમના નામના રૂપિયા ઉપાડ્યા હોવાનું જણાવ્યુ છે. જે મુજબ જોબ કાર્ડ ધારકની માહીતી મેળવતા ગામના કેટલાક લોકોને તો પોતાના જોબ કાર્ડ હોવાની પણ માહીતી નથી તેમ છતાં તેમના નામના જોબ કાર્ડ કાઢીને તેમણે કોઈ દીવસ કોઈ પણ વિકાસના કામમાં મજૂરી કરી ન હોવા છતાય તેઓના નામના નરેગામાં મજૂરી બતાવીને રૂપિયા ઉપાડી લીધા હોવાનું જણાયું છે.  

બોગસ જોબ કાર્ડમાં એક મહત્વની વિગત પણ સામે આવી છે. જેમાં ચૂંધેલી ગામના સરપંચ પોતે એક બે નહી પણ ૩૦ લાખની ટોયોટા ફોર્ચ્યુનર ગાડીનો માલિક છે અને તે પણ નરેગાના વિકાસના કામમાં મજૂરી કરવા ગયો હતો અને તેને પણ મજૂરીના રૂપિયા ઉપાડી લીધા હોવાના પુરાવા સામે આવ્યા છે. ઉપરાંત પોતાના પરીવારના માતા પિતા, ભાઈ ભાભી બધાના નામના જોબ કાર્ડ બનાવીને રૂપિયા ઉપડી લીધા છે.ગામમાં સરવે નંબર ૨૭૯ માં નવુ તળાવ બનાવ્યૂ હોવાનું ગામના તલાટી ટેલીફોનિક વાતચીતમાં જણાવતા તેની તપાસ કરતાં આ સર્વે નંબર સરકારી પડતર અને ગૌચરની જમીન હોવાનું જણાયું છે. ચૂંધેલી ગામના અને દુનિયાના સૌથી માલદાર મજૂર એવા સરપંચના પરીવારમાં જ પાંચ જણના જોબ કાર્ડ છે જેમાં એક પોતે સરપંચ કે જે ૩૦ લાખની ટોયોટા ફોર્ચ્યુનર ગાડીનો માલિક છે. તેના મોટાભાઈ કે જે નાની ઉન પ્રાથમીક શાળામાં શિક્ષક છે. તેના પિતા કે જે એક ટ્રેક્ટરના માલીક છે. તેમના નામના જોબ કાર્ડ છે અને તેઓના નામે પણ મજૂરી કરી હોવાનું મસ્ટરમાં દર્શાવીને રૂપિયા ચુકવ્યા છે. ઉપરાંત તેના માતા અને ભાભીના નામના પણ જોબ કાર્ડ બનાવીને કૌભાંડ આચર્યું હોવાની અરજી ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.

નાણાંકીય ગેરરીતિ અંગે ગ્રામજનોમાં રોષ

• અમારા ગામના જોબ કાર્ડમાં ફોટા બીજા ગામના વ્યક્તી અમારા ગામના છે.કોઈ કામે નથી ગયું અને બધા માલદાર છે. અને બધાના ખાતે પૈસા જમા થયા છે. અમારા ગામમાં નવું તળાવ ખોદયું છે તેવું બતાવે છે પણ નવું તળાવ ખોદયું જ નથી. સંડાસ તો સ્વાધ્યાય પરીવારે બનાવેલા જ છે. ખરેખર ગરીબ હોય તેમણે મજૂરી માટેની યોજના છે. આતો ફોર વ્હીલ , ટ્રેક્ટર વાળાના નામના જોબ કાર્ડ છે. જોબ કાર્ડવાળાને જ ખબર નથી કે તેઓના જોબ કાર્ડ છે.તેમના ખાતામાથી પૈસા પણ ઉપડી ગયેલા છે.

• કરણસીંહ પરમાર, સ્થાનીક રહીશ, ચૂંધેલી

• હું પોતે નાની ઉન પ્રાયમરી સ્કૂલમાં ટીચર છુ મને જોબ કાર્ડ વિષે કાઇ ખબર જ નથી. હું કોઈ જગ્યાએ કામ કરવા ગયો નથી. • યોગેશભાઈ કોલચા, સરપંચના મોટાભાઇ, ચૂંધેલી

• મે આજ સુધી જોબ કાર્ડ કઢાવ્યું નથી અને હું કોઈ જગ્યાએ કામ કરવા ગયો પણ નથી. મારાનામનું જોબ કાર્ડ ક્યાથી આવ્યું છે કોના ખાતામાં પડ્યું છે તેની માહીતી જોઈએ છે. મને એક રૂપિયો નથી મળ્યો. મે જોબ કાર્ડ કાઢવા માટે કોઈ ડૉક્યુમેન્ટ આપ્યા નથી.

 • મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ, સ્થાનીક રહીશ, ચૂંધેલી

• હું ચૂંધેલી ગામનો સરપંચ છુ અમે ગામના બધા અજોબ કાર્ડ બનાવેલા છે. અમારી રીતે અમે સાચા જ છીએ. જ્યારે પણ કોઈ અધીકારી તપાસ માટે અવસે તો અમે ખુલાશો આપીશું. અમે બધા કામો કરેલા છે. આ ખોટો ખોટો આક્ષેપ મારા પર થઈ રહ્યો છે. મારી પંચાયતની અંદર એવા કોઈ જોબ કાર્ડ નથી કે જે સરકારી કર્મચારીના હોઇ શકે.

• કોલચા વિષ્ણુભાઈ માથુરભાઈ, સરપંચ, ચૂંધેલી ગ્રામ પંચાયત