અંક્લેશ્વર

કોવિડ ૧૯ ની પરિસ્થિતિ માં કોવિડ પોઝિટિવ દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં ભરૂચ જિલ્લા ની સૌપ્રથમ કોવિડ હોસ્પિટલ જયાબેન મોદી હોસ્પિટલ ખુબ જ મોટો ફાળો આપી રહી છે. આ ઉપરાંત કોવિડના દાખલ દર્દીઓમાં ૯૬% જેટલો મહત્તમ રિકવરીનો દર પ્રાપ્ત કરી હોસ્પિટલે ખુબજ મોટી સિદ્ધિ હાંસલ કરેલ છે, જે માટે કોવિડમાં સેવા આપનાર હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ અને ડોક્ટર્સનો અથાગ પરિશ્રમ અકલ્પનિય છે અને પ્રોત્સાહનીય છે.

ઘણા દર્દીઓ કે જેઓ ઘણી બધી બીજી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા અને જેઓ માટે જયાબેન મોદી જ માત્ર સ્વાસ્થ્ય સેવાઓ પુરી પડતી હોસ્પિટલ હતી, તેઓ તરફથી વારંવાર હોસ્પિટલ મેનેજમેન્ટને બીજી રેગ્યુલર સેવાઓ શરુ કરવા માટેની રજૂઆત આવતી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખી હોસ્પિટલના ટ્રસ્ટી અને મેનેજમેન્ટ તરફ થી કલેક્ટર ને રજૂઆત અને વિનંતી કરવામાં આવી હતી અને પરિણામરૂપે હોસ્પિટલને બધીજ રેગ્યુલર ઓ.પી.ડી, એડમિશન, ઓપરેશન અને ઇમર્જન્સી સેવાઓ શરુ કરવાની મંજૂરી મળી હતી.

મંજૂરી મળતા જ હોસ્પિટલ ના તમામ કર્મચારીઓ અને તબીબો રાબેતા મુજબના કામમાં જોડાઈ ગયા છે. તકેદારી ના ભાગરૂપે હોસ્પિટલમાં તમામ સાવચેતી અને પ્રોટોકોલ પ્રમાણે સાફ સફાઈ અને સ્ટરીલાઈઝેશનની પ્રક્રિયા દરદોજ વારંવાર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ કોવિડ ૧૯ સંપૂર્ણપણે નાબૂદ ન થયેલ હોઈ હોસ્પિટલ દ્વારા કોવિડ ૧૯ ના દર્દીઓને અગવડ ના પડે તે હેતુથી સારવાર અર્થે ૫૦ અમાનત બેડ ની સુવિધા રાખવામાં આવી છે. હોસ્પિટલમાં કોવિડ અને રેગ્યુલર દર્દીઓ માટેનો પ્રવેશ, સારવાર, રહેવા, જમવા તથા વેઇટિંગ એરિયા તદ્દન અલગ રખાયું છે. હોસ્પિટલના ફુલટાઇમ અને વિઝિટિંગ ડોક્ટર્સની ઓ.પી.ડી નો સમય ૦૨૬૪૬ -૨૨૨૨૨૦ / ૨૨૪૫૫૦ પર કોલ કરી જાણી શકાય છે.