વડોદરા, તા.૩૧  

વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ ભાજપના શાસકો દ્વારા સ્માર્ટ સિટીના નામે આચરવામાં આવેલા કૌભાંડોના એક પછીથી એક પર્દાફાશ થઇ રહ્યા છે. સંસ્કારી નગરીના શહેરીજનોને હથેળીમાં ચાંદ બતાવનાર પૂર્વ ભાજપના શાસકોના સોનાના ઢોળ ચઢાવ્યા જેવા તકલાદી કાર્યો ઢોળ ઉતરી જતા એક પછીથી એક પ્રકાશમાં આવવા લાગ્યા છે. ૧૩ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ભાજપના શાસકોની મુદ્દત પૂર્ણ થતા તેઓ પૂર્વ બની ગયા છે. પરંતુ એમણે આચરેલા ભ્રષ્ટાચારના પાપો આજેય છાપરે ચઢીને પોકારી રહ્યા છે. શહેરના વિવિધ તળાવોની પોકળ અને ઉપરછલ્લી સુંદરતાનો નકાબ ક્રમશઃ ઉતરી રહ્યો છે.

શહેરના છાણી, હરણી અને કમલાનગર તળાવનું બ્યુટીફીકેશન કરાયા પછીથી એમાં ગાબડા પાડવાની અને આસપાસની ચોતરફ ફરવાની વોકવે પણ જમીનમાં ઘસી રહી હોવાની ઘટના સામે આવી હતી. એની હજુ તો શાહી સુકાઈ નથી ત્યાં તરસાલી તળાવમાં વ્યાપેલી અસહ્ય ગંદકીને લઈને એનું બ્યુટીફીકેશન એકતરફ રહી ગયું છે. પરંતુ આમ જનતાને ગંદકી વધુ નજરે પડી રહી છે. જેને લઈને આ તરસાલીના તળાવ પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયાની લાગણી સ્થાનિકો અનુભવી રહ્યા છે. એમ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ જણાવ્યું હતું.