ગાંધીનગર, દેશની રાષ્ટ્રીય કૃત ઈન્સ્યોરન્સ કંપનીઓના ખાનગીકરણ સામે આજે વિવિધ રાષ્ટ્રીય કૃત કંપનીઓના કર્મચારીઓના જાેઈન્ટ ફોરમ દ્વારા વિરોધ દેખાવ યોજાયા હતા. જેમાં બપોરે ૧-૩૦ થી બપોરે ૨ વાગ્યા રિસેસ દરમિયાન નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીની પ્રાદેશિક કચેરી, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે આગામી ૧૭મીના રોજ અમદાવાદ ખાતે ચારેય વીમા કંપનીઓ ન્યૂ ઈન્ડિયા, યુનાઇટેડ ઇન્ડિયા, ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓના તમામ એસોસિએશન અને યુનિયનોના જાેઈન્ટ ફોરમના નેજા હેઠળ સંયુક્ત રીતે દેખાવો કરવામાં આવશે. બપોરે વિરોધ પ્રદર્શન બાદ નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીની પ્રાદેશિક કચેરી ખાતે રિજિયોનલ મેનેજર કે. એચ. રાઠોડને જાેઈન્ટ ફોરમના અગ્રણીઓ આર.એસ. પંડિયા, આશિષ ડામોર, જે.એચ. સંઘવી અને સ્નિગ્ધ ચંદ્ર સહિતનાએ આવેદન પત્ર પાઠવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.