વડોદરા,તા.૨૬ 

આજે સવારના સમયે વડોદરા મહાનગર પાલિકાની ટાઉનપ્લાનિંગમાં એક ઘુવડ ફસાયું હોવાનો કોલ મળતા ફાયરબ્રિગેડ દ્વારા આ ઘુવડને રેસ્ક્યુ કરીને વનવિભાગને સોંપવામાં આવ્યું હતું.

ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ વડોદરા મહાનગર સેવાસદનની ઓફિસના ત્રીજા માળે ટાઉનપ્લાનિંગ ડિપાર્ટમેન્ટની ઓફિસ આવેલી છે. રજા બાદ આજે સવારે ઓફિસમાં આવેલા કર્મચારીઓએ ઓફિસની અંદર એક ઘુવડ જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્‌યા હતા. ઘુવડને ડરાવવાની જગ્યાએ કર્મચારીઓ ચુપચાપ ઓફિસની બહાર નીકળી ગયા હતા અને આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ ઘટના અંગે જાણ થતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઓફિસની અંદર ફસાઈ ગયેલા ઘુવડનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે અડધો કલાકની જહેમત બાદ લાશ્કરોને ઘુવડને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારબાદ આ ઘુવડને વનવિભાગને સોંપવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ ઘુવડને તેના કુદરતી આશ્રયસ્થાનમાં છોડી દેવામાં આવશે.

અનગઢના ફાર્મ હાઉસમાં કૂતરાએ બચકાં ભરતાં ઈજાગ્રસ્ત ઢેલને રેસ્કયૂ કરાઈ

શહેર નજીક આવેલ અનગઢ ગામના એક ફાર્મ હાઉસમાં કૂતરાએ બચકાં ભરી ઘાયલ કરેલ ઢેલને રેસ્કયૂ કરી એનિમલ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરોએ સારવાર અર્થે વન વિભાગને સુપરત કરી હતી. અનગઢ ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાં ઢેલને કૂતરાએ બચકાં ભરીને ઘાયલ કરી હોવાની જાણ સ્થાનિક રહીશે એનિમલ રેસ્કયૂ સંસ્થાને કરતાં સંસ્થાના કાર્યકરો તુરંત દોડી ગયા હતા અને સ્થળ પર જઈને જાેતાં ઈજાગ્રસ્ત ઢેલને લોહી નિકળતું હતું. તુરંત સંસ્થાના કાર્યકરોએ ઘાયલ ઢેલને રેસ્કયૂ કરીને વન વિભાગને સુપરત કરતાં વન વિભાગે ઈજાગ્રસ્ત ઢેલની સારવાર હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરના કેટલાક વિસ્તારો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે મોર, ઢેલ જાેવા મળે છે, અનેક વખત કૂતરાઓ દ્વારા તેમના પર હુમલાના બનાવો બન્યા છે.