વડોદરા,તા.૧૭  

દેશની ૧૪ મોટી બેંકોનું ૧૯ જુલાઈ ૧૯૬૯ના દિવસે રાષ્ટ્રીયકરણ કરાયું હતું. જેની ૫૧મી વર્ષગાંઠની ઉજવણીની સાથોસાથ વડોદરા ખાતે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ યુનિયનના નેતૃત્વ હેઠળ ૧૯મીના રોજ રવિવાર હોઈ ૨૦ જુલાઈના દિવસે સોમવારે જાહેરક્ષેત્રની બેંકોના જતનને માટે કર્મચારીઓ બિલ્લા ધારણ કરશે. એમ ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના વાઇસ પ્રેસિડન્ટ કે.સી.કેમકરે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે,હાલના સમયમાં રાષ્ટ્રીયકૃત બેંકોની સેવાઓ અને આર્થિક સધ્ધરતા સામે સવાલો ઉભા થયા છે.ત્યારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ બેન્કોએ અત્યાર સુધી રૂપિયા ૬,૨૭,૩૪૩ કરોડ જેટલી માતબર રકમ ઉદ્યોગપતિઓના દેવાની માંડવાળ કરી છે. જેમાં એસ્સાર,ભૂષણ સ્ટીલ, જ્યોતિ સ્ટ્રક્ચર, ઈલેક્ટ્રો સ્ટીલ, મોનેટી ઇસ્પાત,આલોક ઇન્ડસ્ટ્રીઝના રૂ.૧,૭૫,૩૨૦ કરોડના બાકી લેણાનું રૂ.૯૪,૫૨૬ કરોડમાં સમાધાન કરીને બેન્કોને ૮૦૭૯૪ કરોડ જેટલી જંગી રકમ માંડવાળ કરતા ભારે નુકશાન વેઠવાનોં વારો આવ્યો હતો.જેને લઈને વસૂલાતમાં ૨૨ થી ૮૩ ટકા સુધીનું નુકશાન થવા પામ્યું હતું. સૌથી ઓછું ૨૨ ટકા નુકશાન એસ્સારના કેસમાં ૫૪૦૦૦ કરોડ સામે ૪૨૦૦૦ કરોડની વસૂલાતમાં અને સૌથી વધુ ૮૩ ટકા નુકશાન આલોક ઇન્ડસ્ટ્રીઝના કેસમાં ૩૦૨૦૦ કરોડ સામે માત્ર ૫૦૫૨ કરોડની વસૂલાતમાં થયું છે. આ પછી ઉતારતા ક્રમે જોવામાં આવે તો મોનેટી ઇસ્પાત પાસે રૂ.૧૧૪૭૮ કરોડ સામે માત્ર ૨૮૯૨ કરોડની વસુલાત કરતા ૭૫ ટકા નુકશાન થયું છે.૧૯૬૯માં રાષ્ટ્રીયકૃત બેંકોની માત્ર ૮૦૦૦ શાખા હતી.જે વધીને આજે ૧,૫૬,૩૨૯ શાખા છે.૧૯૬૯ ગ્રામ્ય વિસ્તારની શાખા વધીને ૫૨,૪૬૩ થઇ છે.પ્રાયોરિટી સેક્ટરમાં નહિવત ધિરાણ વધીને ૪૦ ટકા થયું છે.સરકાર જનતાના પૈસાના જતન કરતા ઉદ્યોગગૃહોની ઉઘાડી લૂંટને નજર અંદાજ કરી રહી છે.એવો આક્ષેપ યુનિયનના અગ્રણીઓએ કર્યો છે.સરકાર બેન્ક કાનૂનના સુધારણાના નામે બેંકોનું ખાનગીકરણ કરવા વિચારે છે.બેન્કોનો ઓપરેટિંગ નફો ડુબત લેણાંમાં ચાલ્યો જાય છે.૨૦૧૮માં રૂ.૧,૨૮,૨૩૦ કરોડ અને ૨૦૧૯માં ૧,૯૬,૮૪૯ કરોડ દેવાની માંડવાળ કરેલ છે. હાલની એનડીએની સરકાર આ બાબતમાં ત્વરિત ગતિથી આગળ વધી રહી છે.સૌથી વધુ આશ્ચર્યની બાબત તો એ છે કે જે ઉદ્યોગપતિઓએ બેન્કના દેવા નહિ ચૂકવી નુકશાન કરેલ છે.તેને બેન્ક ઉદ્યોગ સોંપવાની સાજીશ થઇ રહી છે.