ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતેની પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં છે. ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડે 8 વિકેટે 284 રન કર્યા છે. તે વેસ્ટ ઇન્ડીઝથી 170 રન આગળ છે. માર્ક વુડ 1 અને જોફરા આર્ચર 5 રને અણનમ છે. વેસ્ટ ઇન્ડીઝ માટે શેનોન ગેબ્રિયલે 3, જ્યારે રોસ્ટન ચેઝ અને અલઝારી જોસેફ 2-2, કેપ્ટન જેસન હોલ્ડરે 1 વિકેટ લીધી છે.એકસમયે ઇંગ્લેન્ડ 249/3 મજબૂત સ્થિતિમાં હતું. જોકે તે પછી તેમણે 30 રનમાં 5 વિકેટ ગુમાવતા વિન્ડિઝે મેચમાં વાપસી કરી હતી. આ દરમિયાન બેન સ્ટોક્સ, ઝેક ક્રોલે, જોસ બટલર, ડોમિનિક બેસ અને ઓલી પોપ આઉટ થયા હતા. 

દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરે સારો દેખાવ કર્યો હતો. રોરી બર્ન્સ અને ડોમ સિબલેએ ઓપનિંગ વિકેટ માટે 72 રનની પાર્ટનરશિપ કરી હતી. બર્ન્સ રોસ્ટન ચેઝના શોર્ટ એન્ડ વાઇડ બોલમાં કટ કરવા જતા બેકવર્ડ પોઇન્ટ પર જોન કેમ્પબેલના હાથે કેચ આઉટ થયો હતો. બર્ન્સે 102 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોરની મદદથી 42 રન કર્યા હતા.

તેના આઉટ થયા પછી સિબલે અને ડેન્લીએ બીજી વિકેટ માટે 41 રન ઉમેર્યા હતા. સિબલેએ ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 164 બોલમાં 4 ફોરની મદદથી 50 રન કર્યા હતા. ફિફટી માર્યા પછીના બોલે તે ગેબ્રિયલની બોલિંગમાં બોલ્ડ થયો હતો, પરંતુ તે નો-બોલ હોવાથી તેને જીવનદાન મળ્યું. જોકે તેના 2 બોલ પછી જ તે ગેબ્રિયલનો શિકાર થયો હતો.ડાઉન ધ લેગ કીપર ડાઉરિચે તેનો સરળ કેચ કર્યો હતો. ટૂંક સમયમાં જો ડેન્લી 29 રને ચેઝની બોલિંગમાં હોલ્ડર દ્વારા કેચ આઉટ થયો હતો.

ઝેક ક્રોલે અલઝારી જોસેફની બોલિંગમાં કોટ એન્ડ બોલ થયા પહેલા કરિયરની બીજી ફિફટી ફટકારતાં 127 બોલમાં 8 ફોરની મદદથી 76 રન કર્યા હતા. તે પછી જોસ બટલરે બેટ વડે નિરાશ કર્યા હતા. તે 9 રને જોસેફની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ બીજી ઇનિંગ્સમાં પણ જેસન હોલ્ડરની બોલિંગમાં આઉટ થયેલ હતો. તે ગલીમાં શાઇ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 79 બોલમાં 6 ફોરની મદદથી 46 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. વિન્ડિઝ માટે ઓપનર ક્રેગ બ્રેથવેટ અને વિકેટકીપર શેન ડાઉરિચે ફિફટી ફટકારતાં અનુક્રમે 65 અને 61 રન કર્યા હતા. ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.