ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડના તરખાટ સામે કેરેબિયન બેટ્સમેન લડત આપવામાં નિષ્ફળ રહેતાં ઇંગ્લેન્ડે ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 269 રનના સજ્જડ માર્જીનથી પરાસ્ત કરીને ત્રણ ટેસ્ટની સિરીઝ 2-1થી જીતી લીઘી હતી. આમ ઇંગ્લેન્ડે વિઝડન ટ્રોફી પર ફરીથી કબજો મેળવી લીધો હતો. ગઈ સિઝનમાં વેસ્ટ ઇન્ડિઝે આ ટ્રોફી જીતી હતી પરંતુ ઇંગ્લેન્ડ હવે વિઝડન ટ્રોફી પોતાને ત્યાં પરત લાવવામાં સફળ રહ્યું હતું.

કોરોના વાયરસના પ્રકોપ બાદ રમાયેલી આ પ્રથમ ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનો પહેલી મેચમાં વિજય થયો હતો પરંતુ બીજી ટેસ્ટ જીતીને ઇંગ્લેન્ડે વળતો પ્રહાર કર્યો હતો. માન્ચેસ્ટર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતવા માટે વેસ્ટ ઇન્ડિઝને 399 રનનો ટારગેટ મળ્યો હતો પરંતુ તેની સામે પ્રવાસી ટીમ જરાય પ્રતિકાર કરી શકી ન હતી અને પાંચમા દિવસે લંચ બ્રેક બાદ તેના તમામ ખેલાડી 129 રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા.

ક્રિસ વોક્સે પાંચ તથા સ્ટુઅર્ટ બ્રોડે ચાર વિકેટ લીધી હતી. બ્રોડે આ સાથે તેની કારકિર્દીની 500 વિકેટ પણ પૂરી કરી હતી. વેસ્ટ ઇન્ડિઝના બીજા દાવમાં શાઈ હોપે સૌથી વધુ 31 રન ફટકાર્યા હતા તો શામરાહ બ્રુક્સે 22 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં ટીમને વિજય અપાવનારો જેરેમાઇન બ્લેકવૂડ 23 રન કરી શક્યો હતો. ઇનિંગ્સમાં તે છેલ્લો આઉટ થયો હતો.