નડિયાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર પ્રસાશને ફરજિયાત કરેલ ઓનલાઈન રજિસ્ટ્રેશનની જટિલ પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે. ડાકોર દર્શનાર્થે આવતાં ભક્તો અને સ્થાનિક દર્શનાર્થીઓમાં જિલ્લા વહીવટી તંત્રના આ ર્નિણયથી ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. જાેકે, આટલું જ નહીં આ ઉપરાંત પૂનમે દર્શને આવતાં દર્શનાર્થીઓ માટે પણ નિયમો હળવા કરવા અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું સૂત્રોના જણાવ્યાં મુજબ, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે આવતાં ભક્તોને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી હવે પસાર નહીં થવું પડે. આ નિયમથી મુશ્કેલીઓ સર્જાતી હતી. ભક્તોનું કહેવું છે કે, આ નિયમને કારણે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો પણ છેડે ચોક ભંગ થતો હતો. મંદિર ખુલ્યાં બાદ શનિ અને રવિવારે ભક્તો દર્શનાર્થીઓનો ભારે ધસારો રહેતો હતો. ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાને કારણે અને આધારકાર્ડ જાેઈને જ ભક્તોને દર્શનાર્થે જવા દેવાના કડક અમલીકરણને લીધેે ડાકોર મંદિર બહાર દર્શનાર્થીઓની લાંબી કતારો જાેવા મળતી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર પ્રસાશનના ઓનલાઇન રજિસ્ટ્રેશન અને આધારકાર્ડ ફરજિયાતની દર્શન વ્યવસ્થાને કારણે ઘણી વખત અનેક યાત્રીઓ દર્શન વગર નિસાસો નાખી પરત ફરતા હતા. ઓનલાઈન રજિસ્ટ્રેશન નંબર અને આધારકાર્ડ ચકિંગને લઈ દર્શનાર્થીઓના સમયનો વેડફાટ થયો હતો. વળી ૧ કિલોમીટર જેટલી લાંબી કતાર લાગતી હતી. ઘણી વખત સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં જાેવાં મળતાં હતાં. જિલ્લા કલેક્ટર દ્વારા મંદિર પ્રસાશનને ટેલિફોનિક સૂચના દ્વારા આ મહત્વના ર્નિણયની જાણ કરી છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં હવે દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની જટિલ અને ભક્તોને પ્રભુના દર્શન વિમુખ રાખતી સમસ્યા દૂર થઈ ગઈ છે.