પાવી જેતપુર : પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામે એક દિવસ પહેલા રાત્રિના ઘર આંગણે સુતેલી વૃદ્ધાને દીપડાએ ઝાડીઓમાં ઢસડી જઈને મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા વન વિભાગ દોડતું થયું હતું અને એક જ રાતમાં ૩ દીપડા ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. 

 પ્રાપ્ત માહિતી મુજબ એક દિવસ પહેલા પાવી જેતપુરના ઘૂંટણવડ ગામની ૭૦ વર્ષીય વૃદ્ધા ઘરની ઓસરીમાં સૂતી હતી ત્યારે રાત્રિના લગભગ ૧ વાગ્યાના અરસામાં માનવભક્ષિ દીપડો આવીને આ વૃદ્ધાને પોતાના જડબામાં પકડીને નજીકની ઝાડીઓમાં ઢસડી ગયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલી વૃદ્ધાનું મોત થયું હતું. પંદર દિવસ અગાઉ પણ ઘૂંટણવડ ગામમાં સાંજના સમયે ઘરની બહાર રમતા ૫ વર્ષીય બાળક વંશ રાઠવાને માનવભક્ષિ દીપડો ખેંચીને લઈ ગયો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. બે મહિના અગાઉ પણ ઘૂંટણવડના ડુંગરની તળેટીમાં ધોળે દિવસે સવારના ૧૦ વાગ્યાના અરસામાં એક આધેડ ઉપર દીપડાએ હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હતા ત્યારે દીપડો પકડવા પીંજરું મૂક્યું હતું. પણ દીપડો પકડાય તે પહેલાં જ દીપડો મૃત્યુ પામ્યો હતો. ત્યારે તે દિપડો બે દીપડાની લડાઈમાં મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યું હતું. વન વિભાગને અહીંયા બીજા દીપડા પણ હોવાની જાણ હતી અને જે દીપડો મૃત્યુ પામ્યો તે જ માનવભક્ષિ છે તેવી કોઈ જાણ વન વિભાગને ન હતી તેમ છતાય નિષ્ક્રિયતા દાખવી હતી અને બીજા દિપડાને પકડવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. જેને પરિણામે બે માનવ જીવનનો ભોગ લેવાયો હતો.  

  છેલ્લા એક દિવસ પહેલા વૃદ્ધાનું મોત થતા વન વિભાગને ઘટનાની ગંભીરતા સમજાઈ હતી અને માનવભક્ષિ બનેલા દિપડાને પકડવા ઘૂંટણવડ ગામના જંગલમાં ૫ પિંજરા મુક્યાં હતા. ત્યારે રાત્રે લગભગ ૮ વાગ્યાના અરસામાં જ એક દીપડો પાંજરે પુરાયો હતો જ્યારે વહેલી સવાર થતા અન્ય બે દીપડા પણ પાંજરે પુરાયા હતા. આમ એક જ રાતમાં ૩ દિપડાને પિંજરામાં પૂર્યા હતા. મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં દીપડાની સંખ્યા નોંધપાત્ર છે. હવે જે દીપડા પાંજરે પુરાયા છે તે જ દીપડા માનવભક્ષિ છે કે અન્ય દીપડા પાંજરે પુરાયા છે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે અને આ દીપડા માનવભક્ષિ છે કે નહીં તે તો સમય જ બતાવશે. પણ હાલ તો ૩ દીપડા પાંજરે પુરાતા લોકોમાં રાહત જોવા મળી રહી છે.