રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૧૨૧ ગામોને સામી ચૂંટણીએ ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા ભારે વિરોધ થયો હતો.જાેકે ભાજપ સાંસદ મનસુખ વસાવાના રાજીનામા બાદ સરકારે આદીવાસી ખેડૂતોના ૭/૧૨ ના નમૂના માંથી ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રીઓ રદ કરતા ભાજપને હાશકારો થયો હતો.રાજપીપળા નજીક જીતનગર ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ઈકો સેન્સેટિવ ઝોન વિસ્તારના ૧૨૧ ગામોના આગેવાનોએ મનસુખ વસાવાનું જાહેરમાં સન્માન કર્યું હતું.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે ફોરેસ્ટના કાયદાને લીધે આદિવાસી વિસ્તારનો વિકાસ થતો ન હતો, મેં પોતે એની માટે ધરણા કર્યા ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડા વિસ્તારના અંતરિયાળ ગામોને લાઈટ સહિત પ્રાથમિક સુવિધાઓ અપાવી હતી. અધિકારી કે પ્રજાના ચૂંટાયેલા નેતાએ પ્રજા લક્ષી કામ કરવું જાેઈએ, પદ અને સત્તા ફક્ત પૈસા અને પ્રોપર્ટી ભેગી કરવા માટે નહીં પણ રાષ્ટ્ર નિર્માણ માટે હોય છે.કોઈ અધિકારી જાે ન સાંભળે તો ઊંચા અવાજે પણ વિકાસ બાબતે હું રજુઆત કરતા ગભરાઉ એમ નથી.જાે પ્રજાના કામો કરવા હશે તો સત્તા વગર નહિ થાય.ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ કાયમી રદ થઇ છે, જુના કટિયા લઈ અમુક લોકો આદિવાસીઓને ભરમાવે છે.ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવો કેન્દ્રનો પ્રશ્ન છે,પણ ગુજરાત સરકાર આપણને રદ કરવામાં મદદ કરશે.ઈકો સેન્સેટિવ ઝોન પ્રકૃતિ અને વન સંપત્તિની જાળવણી માટે અને માનવ જીવન જાેખમી ન બને એ માટે બન્યો છે, આદિવાસીઓના વિનાશ માટે નહીં, આ કાયદાથી કોઈ પણ આદીવાસી જમીન વગરનો નહિ થાય.ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ આદીવાસી આગેવાનોની એક ટીમ ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવા રજુઆત કરાશે.

હવે જાે નર્મદાના આદિવાસીઓ પર કોઈ મુશ્કેલીઓ આવશે તો અમે બધા રાજીનામુ ધરી દઈશુંઃ ઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫ માં ઈકો સેન્સેટિવ ઝોન કાયદો બન્યો ત્યારે બીટીપી લોકોને ગુમરાહ કરી ચૂંટણી જીતી, પછી સતત ૫ વર્ષ એમણે અરાજકતા ફેલાવી અને બુમરેંગ મચાવી.હવે પાછી ચૂંટણી આવી છે ત્યારે ફરી એ જ મુદ્દો ઉઠાવ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એમનું સાંસદનું પદ જાેખમમાં મૂકી રાજીનામુ આપી દીધું, સરકારે એમનું રાજીનામુ ન સ્વીકાર્યું પણ ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ રદ કરી.હવે નર્મદા જિલ્લાના આદિવાસીઓ પર કોઈ મુશ્કેલીઓ આવશે તો અમે બધા રાજીનામુ ધરી દઈશું પણ કોઈને ઉની આંચ નહિ આવવા દઈએ. ગુજરાત સરકારના પૂર્વ વન આદિજાતિ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે ભાજપ સાંસદે કલમ ૩૭૭ હેઠળ સંસદમાં ઈકો સેન્સેટિવ ઝોનનો પ્રશ્ન ઉઠાવ્યો, એની સંસદમાં સ્પેશિયલ નોંધ લેવાશે રેકોર્ડ રખાશે.