અમદાવાદ-

ગુજરાતમાં પણ UKમાં ફેલાયેલા કોરોના સ્ટ્રેનના ચાર કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ માહિતી આરોગ્ય અગ્ર સચિવ દ્વારા આપવામાં આવી છે. જોકે આ નવા સ્ટ્રેનના કેસો રાજકોટ અને ત્યારબાદ અમદાવાદમાં જોવા મળ્યા હતા.જોકે આ નવા પ્રકારનો કોરોના સ્ટ્રેનને વધુ ઘાતક માનવામાં આવે છે. 

આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતી રવિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, UKથી ફ્લાઈટ આવી હતી. તેમાં જેટલા પણ મુસાફર આવ્યા છે. તેમાંથી જે લોકોમાં લક્ષણો જોવા મળ્યા હતા તે તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તૈયારીના ભાગ રૂપે આ તમામને SOP અનુસાર આઈસોલેસનમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ તેમના બ્લડના સેમ્પલને પૂણેની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાથી અમને જાણવા મળ્યું કે, 4 લોકોમાં UKના પોઝિટિવ સ્ટ્રેન આપણને મળ્યા છે. 

તેમને વધુમાં જણાવ્યું હતું કે, જે લોકોમાં આ સ્ટ્રેન જોવા મળ્યો છે તેમને પ્રોટોકોલ અનુસાર SVP હોસ્પિટલમાં અલગથી આઈસોલેસનમાં રાખવામાં આવ્યા છે. આપણે તકેદારીના ભાગ રૂપે આ દર્દીઓને પહેલાથી અલગ રાખ્યા હતા. આ ઉપરાંત 15 સેમ્પલ હજુ પેન્ડિંગ છે. આ વાયરસ બીજાને વધારે પ્રમાણે ચેપ લગાડી શકે છે. ચેપ લાગવાનું પ્રમાણ નોર્મલ વાયરસ કરતા ઘણું વધારે છે. આ વાયરસ કેટલો ગંભીર છે તે બાબતેના કોઈ પૂરાવાઓ નથી મળ્યા તેવું નિવેદન બ્રિટનના હેલ્થ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યુ છે. છતાં આપણે નથી ઇચ્છતા કે, આ વાયરસનો ચેપ લોકોને લાગે. એટલે ભારત સરકારની SOPનું આપણે પાલન કર્યું છે. જે દર્દીઓ પોઝિટિવ આવ્યા છે, તેમની સાથે ફ્લાઈટના બેસેલા લોકોના ટેસ્ટ કરવામાં આવશે. દર્દીની આગળની 3 રો અને પાછળની 3 રોમાં બેસેલા હતા, તે તમામને આઈસોલેસનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ લોકોનું રોજ ચેકઅપ કરવામાં આવે છે. આ લોકોનો સાત દિવસ પછી ફરીથી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.