વડોદરા,તા.૯  

વડોદરા શહેરમાં પાલિકાના શાસકો,વિપક્ષ,અધિકારીઓ,ઇજારદારો વચ્ચેની સાઠગાંઠનો ભ્રષ્ટાચાર નજીવા વરસાદમાં જ ખુલ્લો પડી જવા પામ્યો છે.

પ્રજાના કમ્મરતોડ વેરાના પૈસાનો પાણીની માફક વેડફાટ કરનાર શાસકો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોની પોળ નજીવા વરસાદમાં જ ખુલ્લી પડી જવા પામી છે.શહેરની આવાસ યોજનાના તાજેતરમાં જ બનેલા મકાનોની છત પરથી ટપકતા પાણીની વાત હોય.કે નવીન ડ્રેનેજ લાઈન બનાવ્યા પછીથી યોગ્ય પુરાણ ન કરાતા માર્ગો બેસી જવાની કે ભૂવાઓ પડવાની વાત હોય. કે પછીથી પ્રતિવર્ષની માફક નવા બનાવેલા માર્ગોનું પ્રથમ નજીવા વરસાદે જ ધોવાણ થઇ જવાની વાત હોય.વડોદરાને સ્માર્ટ સીટી બનાવવા નીકળેલા શાસકો સ્માર્ટ સીટી બનતા બનશે પણ સ્માર્ટ સિટીના નામે સ્માર્ટ ભ્રષ્ટાચારની બાબતે શહેરની ચોતરફ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે એવી વાત ખુલ્લેઆમ પ્રજામાં ચર્ચાઈ રહી છે.ત્યારે આવા બેફામ ભ્રષ્ટાચારના કારણે શહેરના નવા માર્ગો પાર ઠેરઠેર ખાડા પડી ગયેલા જોવા મળી રહયા છે.

કરોડોના ખર્ચે બનાવેલા ગોરવા રિફાઇનરી રોડ, ઇલોરા પાર્ક, તાંદલજા રોડ સહિતના અનેક માર્ગો ડિસ્કો માર્ગમાં પરિવર્તિત થઇ ચુક્યા છે.જેને લઈને વર્ષે એદહાડે કરોડોનો કરવેરો ભરનાર શહેરીજનો હેરાન પરેશાન થઇ ગયા છે.આ માર્ગોનું ધોવાણ થતા ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળે છે.તંત્રનું ધ્યાન દોરવા છતાં એની મરામતની કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી.જેને લઈને પ્રજામાં ઉગ્ર રોશની લાગણી પ્રવર્તી રહી છે.