રાજકોટ-

તૌકતે વાવાઝોડાંને પહોંચી વળવા તંત્ર સજજ બન્યું છે, મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જયારે સ્થળાંતરથી લઈ ઈમરજન્સી સેવાઓ માટે તંત્ર દ્વારા એમ્બ્યૂલન્સને પણ સ્ટેન્ડ બાય રાખી દેવાઇ છે. બેકઅપ, ફૂડ પેકેટ સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.તંત્ર દ્વારા ૧૩૮૩ પાવર બેક, ૧૬૧ ICU એમ્બ્યૂલન્સને સ્ટેન્ડ બાય રખાઈ છે, જ્યારે ૫૭૬ જેટલી ૧૦૮ એમ્બ્યૂલન્સોને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ઓકિસજનની અછત ન વર્તાઈ તે માટે ઓકિસજન સપ્લાય માટે ૩૪ ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ૪૫૬ ડિ-વોટરીંગ પંપ તૈયાર કરાયા છે.

મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૭ જિલ્લાના ૬૫૫ ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તંત્ર દ્વારા અત્યાર સુધી ૧ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે,વાવાઝોડાંને પહોંચી વળવા NDRFની અને SDRF ટીમો તૈયાર કરવામાં આવી છે, NDRFની ૪૪ ટીમ, SDRF ની ૧૦ ટીમ હાલ ખડેપગે છે, તો ફોરેસ્ટની ૨૪૦, માર્ગ મકાન વિભાગની ૨૪૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, વીજ પુરવઠોના ખોરવાય તે માટે ૬૬૧ ટીમ ખડેપગે રહેનાર છે, આરોગ્યની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ૩૮૮ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ તરફ મહેસુલ વિભાગના ૩૧૯ ટીમ અને અધિકારીઓને ત્વરિત પગલાં ભરવા માટે ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાંધીમે ધીમે તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, જેના ભાગ રૂપે કેટલાક જિલ્લાના વાવાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. જો કે ગઈકાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજયના ૨૧ જિલ્લાના ૮૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ૬ તાલુકામાં તો એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સંભવિત વાવાઝોડાંની અસરના ભાગરૂપે આગામી ૨ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.