આણંદ : ભારત સરકારના રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આણંદ જિલ્લામાં ગાય અને ભેંસ જેવાં પશુઓ માટે આધારકાર્ડ અને હેલ્થકાર્ડ બની રહેનારી ટેગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી ૩૦ સરકારી અધિકારી, કર્મચારીઓ તેમજ અમૂલ ડેરીના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી રહી છે.  

સૂત્રોનું જણાવવું છે કે, ૨૦૨૦ના નવેમ્બર મહિનાથી ચર્ચામાં આવેલી પશુ ટેગિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ ટેગિંગને પાત્ર ગાય અને ભેંસ જેવાં અંદાજે ૭ લાખ દૂધાળાં પશુ છે. આ પૈકી અત્યાર સુધીમાં ૪.૬૨ લાખથી વધુ પશુનું ટેગિંગ થઈ ચૂક્યું છે. આ અભિયાન હેઠળ ભારત સરકારના પોર્ટલમાં સંબંધિત પશુના માલિકથી લઈને તમને આપવામાં આવેલી વિવિધ પ્રકારની રસીઓ, પશુની ઓળખ, કૃમિનાશક દવા વગેરે બાબતની વિગતવાર નોંધણી કરવામાં આવશે. પશુને અનુલક્ષીને ટેગ લગાવામાં આવશે. ટેગિંગ કોઈપણ પશુ માટે આધારકાર્ડ અને હેલ્થકાર્ડની કામગીરી કરશે, જેમાં પશુની ઉંમર, સંબંધિત માલિકનું નામ, પશુને રસી મૂકનારનું નામ સહિતના ડેટાની ઉપલબ્ધિ રહેશે. ઉપરાંત પશુને કઈ કઈ રસી મૂકી દેવામાં આવી છે તેની નોંધ પણ હશે. આ સમગ્ર કામગીરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પશુને રોગ મુક્ત કરવાનો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઇ-ગોપાલા એપ દ્વારા પશુ રોગ સહિતની ખેડૂતોને ઓનલાઇન માહિતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે થકી ખેડૂતો પોતાના પશુઓની સાર-સંભાળ રાખી શકે. પશુ રોગ સહિત પશુઓ માટે કેવો આહાર આપવો તેની પણ માહિતી આ એપમાં આપવામાં આવી છે.