દિલ્હી-

અમેરિકાની સર્વેક્ષણ એજન્સી મોર્નિંગ કન્સલ્ટેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યુ છે કે, કોરોના કાળમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા બરકરાર છે અને ભારતમાં પીએમ મોદીની લોકપ્રિયતા અન્ય દેશોના નેતાઓની તેમના દેશમાં લોકપ્રિયતા કરતા ઘણી વધારે છે.

સંસ્થા દ્વારા ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, બ્રિટન અને અમેરિકામાં નેતાઓના રેટિંગ પર નજર રાખવામાં આવે છે. આ રેટિંગ દરેક દેશના નાગરિકોના અભિપ્રાય પર આધારીત હોય છે. જેમાં પીએમ મોદીને ૫૫નુ રેટિંગ મળ્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પીએમ મોદીની તેમના દેશમાં લોકપ્રિયતા બીજા કોઈ પણ નેતા કરતા વધારે છે.

આ સિવાય જે નેતાઓની લોકપ્રિયતા વધી છે તેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ લોપેઝ, ઓસ્ટ્રેલિયાઈ પીએમ સ્કોટ મોરિસન સામેલ છે. તેમનુ રેટિંગ અનુક્રમ 29 અને 27 હતુ. દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, ભારત દુનિયામાં સૌથી મોટા પાયે કોરોના વેક્સિન પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યુ છે અને દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે ઓછી થઈ છે.