મુંબઇ

બોલિવૂડના એક્ટર અજય દેવગણની ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા હવે સિનેમાહોલમાં આવવાની નથી પણ સીધી જ ઓટીટી પ્લેટ ફોર્મ પર જોવા મળશે. આ ફિલ્મ આ વખતે સ્વાતંત્ર દિવસ વખતના સપ્તાહમાં રિલીઝ થનારી હતી પરંતુ કોરોનાને કારણે આ પ્લાન ઉંધો વળી ગયો હતો. તેના નિર્માતાઓએ રાહ જોવાને બદલે તેને ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ કરી દેવામાં ભલાઈ સમજી.

તમામને હવે આ વાત જાણવામાં રસ છે તે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ વેચવાથી તેને કેટલા રૂપિયા મળ્યા હશે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મનો સોદો 112 કરોડ રૂપિયામાં થયો છે. આ ફિલ્મનો ખર્ચ લગભગ 80 કરોડનો થયો છે. આમ નિર્માતાઓને 32 કરોડ રૂપિયાનો નફો થશે.

બની શકે છે કે આ ફિલ્મ ભવિષ્યમાં સિનેમા હોલમાં પણ રિલીઝ કરવામાં આવે અને આમ થશે તો નફો વધી જવાનો છે. ઓટીટીને કારણે કદાચ આ રકમ નાની લાગે પણ હાલના સંજોગોને જોતાં આ સોદો નુકસાનનો તો નથી જ લાગતો. ભુજ ફિલ્મ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની વાર્તા પર આધારિત છે. અજય દેવગણ આ ફિલ્મમાં એરફોર્સના સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકનો રોલ કરી રહ્યો છે જેણે 300 મહિલા મજૂરોની મદદથી એરબેઝનો આખો રોડ રાતોરાત તૈયાર કરાવ્યો હતો.