અમદાવાદ-

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તેમના હમનામ લોકો માટે લોટરી ખૂલી ગઈ છે. ભરૂચમાં એક પેટ્રોલ પંપ દ્વારા નીરજ નામ ધરાવતા લોકો માટે ફ્રી પેટ્રોલ અને ગિરનાર રોપ-વેમાં ફ્રી પ્રવાસની તક આપવામાં આવી રહી છે. ભરૂચ અને જૂનાગઢમાં ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના હમનામ લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. ભરૂચમાં એક પેટ્રોલ પંપ દ્વારા નીરજ નામ ધરાવતા લોકોને 501 રૂપિયાનું ફ્રી પેટ્રોલ અને જૂનાગઢમાં નીરજ નામ ધરાવતા લોકોને ફ્રી રોપ-વેનો પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે. ભરૂચના નેત્રંગમાં એક પેટ્રોલ પંપના માલિકને રવિવારે પોતાના પંપ પર બોર્ડ મારી દીધું હતું કે, નીરજ નામના દરેક વ્યક્તિને સોમવારે સાંજે 5 વાગ્યા સુધી 501 રૂપિયાનું ફ્રી પેટ્રોલ આપવામાં આવશે. ઓલિમ્પિક્સ મેડલ વિજેતાના સન્માનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્રી પેટ્રોલ મેળવવા માટે દરેક નીરજે પોતાનું ઓળખપત્ર બતાવવું પડશે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિક્સમાં જેવેલિન થ્રો માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેના માનમાં જૂનાગઢમાં આવેલા ઉડન ખટોલા રોપ-વેની સંચાલક ઉષા બ્રેકો કંપનીએ આગામી 20મી ઓગસ્ટ સુધી નીરજ નામ ધરાવતા તમામ વ્યક્તિને વિનામૂલ્યે રોપ-વેમાં પ્રવાસ કરવાની જાહેરાત કરી છે. રોપ-વેની જાહેરાતથી નીરજ નામ ધરાવનાર વ્યક્તિઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે.