વડોદરા : કાયદાનો ભંગ કરનાર ગમે તે ચમરબંધી હશે પણ તેને નહીં છોડાય એવી શહેર પોલીસની સુફિયાણી વાતો વચ્ચે ભાજપા અગ્રણી અને વિવાદાસ્પદ બિલ્ડર દર્પણ શાહ સામેની કાર્યવાહીમાં પોલીસે પાછીપાની કરી છેતરપિંડીનો ભોગ બનેલા પરિવારે દર્શાવી છે. પાણીગેટ પોલીસની કાર્યવાહી સામે નારાજગી દર્શાવતાં પરિવારે આ મામલે છેક સુધી લડી લેવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ બિલ્ડર સામે લાગેલી ગંભીર કલમ રાતોરાત દૂર કરી રાત્રે જ છોડી મુકાતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊભો થયો છે. પોલીસબેડામાં આ મામલે તરેહ-તરેશની ચર્ચાઓ ઊઠી છે.

ભાજપા અગ્રણી અને વિવાદાસ્પદ બિલ્ડર દર્પણ શાહ સામે ફરિયાદ કરવા માટે અમદાવાદના પરીન પટેલ છેલ્લા ત્રણ મહિનાથી ધક્કા ખાતા હતા. તાજેતરમાં ચાર દિવસ અગાઉ શહેરમાં આવી પરીનભાઈએ પાણીગેટ પોલીસ મથકનો સંપર્ક કરી એક જ ફલેટ બે જણાને વેચી દીધો હોવાની રજૂઆત કરી ફરિયાદ નોંધવાની માગ કરી હતી, જેને નહીં ગણકારતાં પરીનભાઈએ એસીપી પાટીલને મળ્યા હતા અને ત્યાર બાદ ડીસીપી વાઘેલાને મળ્યા હતા. આ મામલાની ગંભીરતા જાેઈ ડીસીપીએ તાત્કાલિક ફરિયાદ કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે પાણીગેટ પોલીસે પરીનભાઈની પત્ની નીકિતાબેનના નામે હોવાથી ફરિયાદ નોંધી હતી.

ડીસીપીની સૂચના બાદ પાણીગેટ પોલીસે બિલ્ડર દર્પણ હરીશભાઈ શાહ તથા સુખધામ રેસિડેન્સીના ભાગીદારો સામે ઈપીકો નં. ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૭૧ અને ૧૨૦બી મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં કલમ નં.૪૬૫ નોન કોકજીનેબલ હોવાનું કાનૂની નિષ્ણાતોએ જણાવી મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ કલાસ સમક્ષ ટ્રાયલ ચલાવી શકાય એમ જણાવ્યું છે. પરંતુ ગુનો નોંધાયો અને દર્પણ શાહની ધરપકડ થઈ ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું, અચાનક જ છેક ગાંધીનગરથી ફોન આવવાના શરૂ થયા અને શહેર પોલીસ કમિશનરે સ્વાભાવ વિરુદ્ધ જઈ પાણીગેટ પોલીસને તાત્કાલિક એ કલમ રદ કરી દર્પણ શાહને રાત્રે જ છોડી મુકવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

જાે કે, કાયદામાં એવું પ્રાવધાન છે કે એફઆઈઆર ફાટી ગયા બાદ તપાસ દરમિયાન પીઆઈને લાગે કે એફઆઈઆરમાં દર્શાવેલી કલમ લગાવવી જરૂર નથી, તો કલમ હટાવી શકાય છે પરંતુ એ તપાસ રાતોરાત થઈ શકે નહીં. એના માટે સંબંધિત વિભાગ પાસેથી જાણકારી મેળવવી પડે. જ્યારે આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસ પતાવી પાણીગેટ પોલીસે આરોપી દર્પણ શાહને છોડી મૂકયો હોવાથી સૌને આશ્ચર્ય થયું છે. બિલ્ડર દર્પણ શાહ સામે છેતરપિંડી અંગેની બાબતમાં ૨૦૧૮માં બે, ૨૦૧૯માં ચાર અરજી અને ૨૦૨૦માં ત્રણ અરજીઓ આવેલી છે. પોલીસ સમક્ષ વધુ છ અરજીઓ આવી છે, તેમ છતાં પોલીસ કાર્યવાહીથી કેમ બચી જાય છે? એવો સવાલ ઊભો થયો છે.