વડોદરા : કોરોનાની મહામારીને લઈને બે વર્ષના અંતરાળ બાદ સરકાર દ્વરાા આ વરસે શેરી ગરબાની મંજૂરી આપવામાં આવતાં ઉત્સવપ્રિય નગરી વડોદરામાં પુનઃ શેરી ગરબાનો યુગ શરૂ થયો છે. શ્રાદ્ધપક્ષ પૂર્ણ થવા સાથે આસો સુદ-૧ ને ગુરુવારથી જગતજનની મા જગદંબાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થતાં શહેરનું યૌવન ધનમાં અનેરો ઉત્સાહ-આનંદનો થનગણાટ જાેવા મળ્યો હતો. ગરબા ખેલૈયાઓએ ગરબા રમવાની સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. નવરાત્રિના શુભારંભની સાથે વહેલી સવારથી શહેરના કારેલીબાગ સ્થિત અતિપૌરાણિક બહુચરાજી માતા મંદિર અને માંડવી રોડ પર આવેલ અંબા માતા મંદિર, પાદરાના રણુ ગામે આવેલ મા તુલજા ભવાની માતા મંદિર, પાવાગઢ મહાકાળી માતા મંદિર સહિત અન્ય નાના મોટા આસ્થાની સુહાસ ફેલાવતા માઈમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. બોલ માડી અંબે... જય જય અંબે...ના સાથે માઈમંદિરો ગૂંજી ઊઠયા હતા. આ સાથે કેટલાક પરિવારમાં માતાનું ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.

આ વરસે સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન કરવાની સાથે નવરાત્રિ પર્વની ઉજવણી રાત્રિના ૧૨ વાગ્યા સુધી સમયમર્યાદા નક્કી કરવા સાથે મંજૂરી આપવામાં આવી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં શેરી ગરબાનો પ્રારંભ વહેલો થયો હતો. જેમાં યુવક-યુવતીઓ અને નાના બાળકો સાથે મોટેરાઓએ પણ ગરબાના ઠુમકા લઈ અનેરો આનંદ લીધો હતો. શહેરના માંડવી રોડ પર આવેલ પૌરાણિક અંબા માતા મંદિર ખાતે વરસોની પ્રણાલિ અને પરંપરાગત પુરુષ માંઈભક્તોએ માના ચોકે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.

બીજી તરફ શહેરના શેરી ગરબામાં પણ વાજિંત્રોના ભાલે ગરબાની રમઝટ બોલાવતાં વૈવિધ્યસભર ચણિયાચોળીથી સજ્જ ગરબાના ખેલૈયાઓ પ્રથમ દિવસે જ મનમૂકીને ઝૂમી ઊઠયા હતા અને ગરબા રમવાનો આનંદ લંૂટયો હતો, વડોદરા નગરી માંઈ નગરી બની હતી, સાથે સાથે ઘણા સમય બાદ ગુજરાતની ભાતિગળ સંસ્કૃતિની સુવાસ ચારેકોર પુનઃ પ્રસરી છે. છેલ્લા અમુક દાયકાઓથી શેરી ગરબાનું સ્થાન મોટા અને કોમર્શિયલ ગરબાએ લેતાં શેરી ગરબા લુપ્ત થયા હતા, પરંતુ કોરોના મહામારીમાં શેરી ગરબાની પ્રણાલિ પુનઃ શરૂ થતાં નગરજનોમાં આનંદની લહેર ફેલાઈ હતી.