ગાંધીનગર-

ગુજરાત ભલે વિકાસ મામલે ગતિ કરી રહ્યું હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત પણ દેવાદાર છે. ગુજરાતના માથે કરોડોનું દેવુ છે. વર્ષ ૨૦૧૯- ૨૦ સુધી ગુજરાત પર રૂ. ૨,૬૭,૬૫૦ કરોડનું દેવું થઈ ગયું છે. વિવિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે લેખિતમાં કબૂલાત કરી હતી. તો સાથે એ માહિતી પણ અપાઈ કે, લોન પર સૌથી વધુ વ્યાજ કેન્દ્રીય દેવા પાછળ ચૂકવાય છે. તો ૩૧ માર્ચ ૨૦૨૧ ના ફાઈનાન્શિયલ વર્ષ પછી ગુજરાતનું દેવુ વધીને ૩,૦૦,૯૫૯ કરોડ પર પહોંચી જશે. તો બે વર્ષ બાદ ૨૦૨૩-૨૪ સુધીમાં આ રકમ ૪,૧૦,૯૮૯ કરોડ પર પહોંચી જવાની શક્યતા છે. બે વર્ષમાં ગુજરાતના માથા પરના દેવાની રકમ વધી ગઈ છે.

નાણાંકીય સંસ્થાઓની લોન માટે ૩.૧૫થી ૮.૭૫ ટકા વ્યાજ ચૂકવાય છે. બજાર લોન માટે ૬.૬૮થી ૯.૭૫ ટકા વ્યાજ ચૂકવાય છે. કેન્દ્રીય દેવા માટે ૦થી ૧૩ ટકા વ્યાજ ચૂકવાય છે. તો એનએસએસએફ લોન માટે ૯.૫૦થી ૧૦.૫૦ ટકા વ્યાજ ચૂકવાય છે.

ગુજરાતના માથા પર આટલુ દેવુ કેવી રીતે વધ્યુ તે વિશે જાણીએ તો, મોટાભાગનું દેવુ એક જ વર્ષમાં થયું છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં કેન્દ્ર પાસેથી લીધેલી લોન, બજાર લોન, પાવર બોન્ડ રૂપે તેમજ નાણાંકીય સંસ્થાઓ તથા બેંકો પાસેથઈ લીધેલી લોન અંતર્ગત આ રૂપિયા વધ્યા છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાતે અન્ય રાજ્યો પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તે માહિતી પણ મળી હતી. ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા યોજના અન્વયે કરોડો રૂપિયા પડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી છે. જે મુજબ, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ ની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી ૪૭૬૪.૩૫ કરોડ રૂપિયા લેવાના બાકી છે. મહારાષ્ટ્ર પાસેથી ૧૬૨૭.૬૬ કરોડ અને રાજસ્થાન પાસેથી ૫૪૨.૧૮ કરોડ રૂપિયા લેવાના બાકી છે. આમ, કુલ ૬૯૩૪.૧૯ કરોડ રૂપિયા ગુજરાતે ત્રણ પાડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી છે.