વડોદરા : કોરોના ટેસ્ટિંગ માટે કરવામાં આવતો એન્ટીજન ટેસ્ટનો શહેરના યુવકને કડવો અનુભવ થયો હતો. એક જ દિવસમાં આ યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાના અડધા કલાક બાદ કરાવવામાં આવેલ બીજાે ટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેને નેગેટિવ રિપોર્ટની ખરાઈ કરવા માટે એક કલાક પછી ફરી કરાવેલ એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. દર વખતે કોરોના ટેસ્ટના રિપોર્ટનું પરિણામ અલગ અલગ આવતાં એન્ટીજન કોરોના ટેસ્ટ સામે અનેક સવાલો ઊભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં કામ કરતા કર્મચારીને થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવતાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી અને સાથી કર્મચારીઓને તેમનું તબીબી પરિક્ષણ કરાવવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેથી સહ કર્મચારીઓ પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે ગઈકાલે નવી ધરતી યુપીએચસી સેન્ટર ખાતે ગયો હતો, ત્યાં તેનો એન્ટીજન ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુવકને સેન્ટર તરફથી દવા આપી પાંચ દિવસ બાદ જરૂર પડયે આવવા જણાવ્યું હતું. 

યુવકને કોઈ લક્ષણો ન હોવાના કારણે તેને ૩૦ મિનિટ એટલે કે અડધો કલાક બાદ કારેલીબાગ ખાતે આવેલ યુપીએસસી સેન્ટરમાં જઈને એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી આ યુવાનના મનમાં બંને કોરોનાના રિપોર્ટ પ્રત્યે શંકા ઉપજતાં તે યુવાન જેતલપુર યુપીએસસીમાં ફરી વખત કોરોનાનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું, જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ એક જ યુવાને એક દિવસમાં અલગ અલગ ત્રણ સરકારી યુપીએચસી સેન્ટરોમાં કોરોનાનો રિપોર્ટ કરાવતાં અલગ અલગ આવતાં એન્ટીજન ટેસ્ટ રિપોર્ટની વિશ્વસનીયતા ઉપર અનેક સવાલો ઊભા થયા હતા અને સરકાર દ્વારા કરાવવામાં આવી રહેલા એન્ટીજન ટેસ્ટ પ્રત્યે અનેક શંકાઓ ઉપજે છે.