વડોદરા : કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૭૦.૦૧ ટકા મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ૩૧૧ બૂથના ઈવીએમ-વીવીપેટ મશીન સીલ કરીને મૂકવામાં આવ્યા હતા અને સ્ટ્રોંગ રૂમની બહાર થ્રીલેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત નજર રાખવા બહાર સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે. તા.૧૦મીએ પોલિટેકનિક ખાતે મત ગણતરી હાથ ધરાશે.ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને રસાકસીભરી તેમજ પ્રતિષ્ઠાનો જંગ બનેલી કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ર.૦૪ લાખ મતદારો પૈકી ૭૬,૨૮૭ પુરુષ અને ૬૬,૯૭૯ મહિલા મતદારો તેમજ અન્ય ૪ મળીને ૧,૪૩,૨૭૦ મતદારોએ મતદાન કરતાં ઉત્સાહજનક ૭૦.૦૧ ટકા મતદાન થયું હતું જેમાં ૭૩.૦૧ ટકા પુરુષ અને ૬૭.૧૩ ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. 

મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ તમામ ૩૧૧ બૂથ પરના ઈવીએમ અને વીવીપેટ સીલ કરીને રિસિવિંગ સેન્ટર પર લાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં બનાવાયેલા સ્ટ્રોંગ રૂમમાં લાવી સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવી હતી અને સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસ અને પેરામિલિટરી ફોર્સ એમ થ્રીલેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત સીસીટીવી લગાડવામાં આવ્યા છે અને તેના ઉપર નજર રાખવા માટે બહાર એલઈડી સ્ક્રિન પણ મૂકવામાં આવી છે. આમ, કરજણ વિધાનસભાના મતદારોએ ૯ ઉમેદવારોનું ભાવિ સીલ કર્યું છે. હવે તા.૧૦મી નવેમ્બરે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. બપોર સુધી પરિણામ આવી જાય તેવી શક્યતા છે.