વડોદરા, તા.૨૮

વડોદરા સહિત ગુજરાતભરમાં આજથી ધો. ૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. વડોદરા શહેરની વિવિધ સ્કૂલો ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવીને આવકારવામાં આવ્યા હતા, સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી જેમાં તેઓ જાે કોઈ કાપલી લાવ્યા હોય તો પરીક્ષા પહેલા જ તેમાં મૂકી શકે અને ગેરરીતિથી બચી શકે.

વડોદરાની વિવિધ શાળાઓએ જઈ મેયર, જિલ્લા કલેકટર, વડોદરા શહેરના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ, કાઉન્સિલરો તેમજ શાળા સંચાલકોએ બોર્ડના પરીક્ષાર્થીઓને ફૂલ આપી અને મોં મીઠું કરાવીને આવકાર્યા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨મા બોર્ડની પરીક્ષામાં કુલ ૭૦,૪૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી ભાષાની પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોંધાયેલા કુલ ૩૯,૦૫૨ વિદ્યાર્થીઓ પૈકી ૮૪૧ ગેરહાજર અને ૩૮,૨૧૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સમાં ફિઝિક્સ અને ધો.૧૨ કોમર્સમાં એકાઉન્ટનું પેપર હતું. જેમાં ફિઝિક્સમાં નોંધાયેલા ૬૪૨૫ વિદ્યાર્થીઓ પૈકી ૬૩૧૪ ઉપસ્થિત અને ૧૧૧ ગેરહાજર રહ્યા હતા. શહેર-જિલ્લાના ૨૪૧ સ્થળે ધો.૧૦-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે વિવિધ શાળાઓ, સંસ્થાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષો દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ આપી તેમજ મોં મીઠું કરાવીને આવકાર્યા હતા. પરીક્ષાને લઈ વિવિધ શાળાઓની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે દરેક પરીક્ષા કેન્દ્રો પર લગાવાયેલ સીસીટીવીના માધ્યમથી કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવી રહી હતી. પરીક્ષા માટે જિલ્લાકક્ષાનો કંટ્રોલ રૂમ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ કચેરી કારેલીબાગ ખાતે સવારે ૮થી રાતના ૮ વાગ્યા સુધી કાર્યરત કરાયો છે જે પરીક્ષા પૂર્ણ થતાં સુધી આ કંટ્રોલ રૂમમાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ૦૨૬૫-૨૪૬૧૭૦૩ નંબર પર માર્ગદર્શન અપાશે. જાે કે, પ્રથમ દિવસે ધો-૧૦ અને ધો-૧૨નું પેપર સરળ હોવાથી મહત્તમ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જાેવા મળ્યા હતા.

રઘુકુળ વિદ્યાલયમાં કાપલી કાઢતી વિદ્યાર્થિની પકડાઈ

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ સ્થિત રઘુકુળ વિદ્યાલયમાં બપોરના સમયે ધો-૧૨ કોમર્સના નામાના મૂળતત્વોની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એક ક્લાસ રૂમમાં કાપલી કાઢતા એક વિદ્યાર્થિની સીસીટીવી કેમેરામાં ઓપરેટરને નજરે પડી હતી. જેથી આ વિદ્યાર્થિનીને પરીક્ષા સંચાલક દ્વારા ઝડપી પાડીને તેની પાસેથી કાપલી કબજે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.