વડોદરા : એસઆરપીના ઉચ્ચ અધિકારી પૈકીના એકે સામેના ફલેટમાં રહેતી સિંધી પરિવારની મહિલા અને યુવતીનો ગુપ્ત રીતે મોબાઈલમાં વીડિયો ઉતારતાં મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો. મહત્ત્વની વાત તો એ છે કે, માનસિક રીતે વિકૃત કહેવાતા આ ઉચ્ચ પોલીસ અધિકારી અગાઉ આવી જ હરકતોને કારણે એકવાર સસ્પેન્ડ થઈ ચૂકયો છે અને એક જગ્યાએથી ભાગવું પણ પડયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 

શહેરના કમાટીબાગ પાસે આવેલા વૈભવી ફલેટમાં રહેતા અને ફલેટના રહીશો સાથે નાની નાની વાતમાં ઝઘડો કરી ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે રૂઆબ ઝાડતા આ અધિકારી સાથે રહીશો માથાકૂટમાં પડતા નહોતા. પરંતુ એની હરકતોએ હદ વટાવી દેતાં અંતે આ મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યાં પણ આ ઉચ્ચ પોલીસ અધિકારીએ રોફ ઝાડવાનું ચાલુ રાખ્યું હતું. સામેના ફલેટમાં રહેતા એક સિંધી દંપતી પૈકી મહિલને આ ઉચ્ચ પોલીસ અધિકારી વારંવાર એકીટશે જાેયા કરતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. પરંતુ દંપતીએ આ વાતને સામાન્ય ગણવા ઉપરાંત પોલીસના લફડામાં નહીં પડવાનું વિચારી મહિલાએ ફલેટની બાલ્કનીમાં બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન એમના સંબંધી યુવતી મુંબઈથી અત્રે રહેવા માટે આવી હતી, જે આ ઉચ્ચ પોલીસ અધિકારીની વિકૃત હરકતોથી અજાણ હતી. એ ટી-શર્સ્ટ-પાયજામો પહેરી ફલેટની લોબીમાં ઊભી રહેતાં જ રંગીન મિજાજી ઉચ્ચ પોલીસ અધિકારીએ પોતાના ફલેટની બાલ્કનીમાંથી યુવતીનો વીડિયો પોતાના મોબાઈલમાંથી ઉતારવાનું શરૂ કરી દીધું હતું. અચાનક મહિલાને મહેમાન યુવતી બહાર બાલ્કનીમાં ઊભી હોવાનો ખ્યાલ આવતાં તરત જ એ બહાર આવી યુવતીને અંદર બોલાવી હતી. એ જ સમયે સામે રહેતો માનસિક વિકૃતિવાળા ઉચ્ચ પોલીસ અધિકારી ઉપર મહિલા અને યુવતીની નજર પડતાં જ મોબાઈલથી વીડિયો ઉતારતો હોવાનો ખ્યાલ આવતાં પોલીસ અધિકારીને પડકાર્યો હતો. પરિણામે અધિકારી પોતાના ફલેટમાં અંદર જતો રહ્યો હતો. પરંતુ મુંબઈથી આવેલી યુવતીએ ઉચ્ચ પોલીસ અધિકારીને પદાર્થપાઠ ભણાવવાનું નક્કી કરી તાત્કાલીક સયાજીગંજ પોલીસ મથકે પહોંચી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી એની સામે કડક પગલાં ભરવા માગ કરી હતી. આથી પોલીસે આ અંગે સત્તાવાર કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અગાઉ ઓન ડયૂટી પર મહિલાની છેડતી કરતાં આ અધિકારી સસ્પેન્ડ થયો હતો

માનસિક રીતે વિકૃત કહી શકાય એવી હરકતો વારંવાર કરતાં આ ઉચ્ચ પોલીસ અધિકારીએ અગાઉ ગાંધીનગરની ફરજ દરમિયાન ઓન ડયૂટી પર મહિલાની છેડતી કરતાં એમને સસ્પેન્ડ કરાયો હતો. તેમ છતાં નહીં સુધરેલા આ ઉચ્ચ પોલીસ અધિકારીની વડોદરા બદલી થતાં કારેલીબાગની એક સોસાયટીમાં રહેવા આવ્યો હતો, ત્યાં પણ આવી હરકતો કરતાં સોસાયટીવાળાઓએ ભેગા થઈ હોબાળો મચાવતાં આ અધિકારીએ રાતોરાત મકાન ખાલી કરીને ભાગવું પડયું હોવાનું કહેવાય છે.