વડોદરા : વડોદરાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને આરએસએસના અગ્રણી એવા ભાર્ગવભાઇ ભટ્ટની ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવતા શહેરમાં ચોતરફ તેઓને શુભેચ્છાઓ આપતા હોર્ડિંગ્સ લાગ્યા છે. આ હોર્ડિંગ્સમાં ધારાસભ્યોની ધરાર અવગણના કરીને બાદબાકી કરવામાં આવતા આ બાબતે પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ આ ફરિયાદને ગંભીર રીતે લેવા જણાવવામાં આવ્યું છે. જેને લઈને શહેર ભાજપના સંગઠનમાં જૂથબંધી ચરમ સીમાએ પહોંચતા હડકંપ મચી જવા પામ્યો છે. તેમજ આગામી દિવસોમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ જૂથબંધીને લઈને સીધા સંઘર્ષના એંધાણ વર્તાઈ રહયા છે. વડોદરા શહેરમાં આવા અંદાજે ૬૫ જેટલા હોર્ડિંગસો મુકવામાં આવ્યા છે. જેમાં કેટલાક હોર્ડિંગ્સમાં માત્ર ભાર્ગવ ભટ્ટને દર્શાવવામાં આવ્યા છે. જ્યારેશહેરના અધ્યક્ષ સહિતના તમામની બાદબાકી કરવામાં આવી છે. જયારે કેટલાકમાં ભાર્ગવ ભટ્ટ સાથે શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રંજનબેન ભટ્ટ અને વર્તમાન અધ્યક્ષ ડો. વિજય શાહ ઉપરાંત શહેર ભાજપના ત્રણ મહામંત્રીઓને દર્શાવવામાં આવ્યા છે. જાે કે આ બંને હોર્ડિંગ્સમાં પ્રોટોકલ મુજબ વડાપ્રધાન, રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને બતાવાયા છે. પરંતુ એક પણ હોર્ડિંગ્સમાં શહેરના ધારાસભ્યોને ન સામાવાતા ભડકો થયો છે. જેને લઈને ભાજપના સ્થાનિક એકમની જૂથબંધી પ્રકાશમાં આવી છે.