વડોદરા, તા.૩

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી જૂના રોડ પર ડામરના થર ચડાવતાં રહેતાં રોડનું લેવલ ઊંચું થઈ જવાથી ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો સર્જાય છે. જેથી હવે કોર્પોરેશન દ્વારા ૯ અને ૧૨ મીટરના રોડ પર રોડ બનાવવાના બદલે જૂનો રોડ ઉખેડીને નવો બનાવવાની શરૂઆત પ્રાયોગિક ધોરણે કરી છે.

આ અંગે કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે,વાઘોડિયા રોડ વોર્ડ નં.પ માં આજથી આ કામગીરી પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ છે. હવે શહેરના તમામ વોર્ડમાં આ પ્રકારે એક બે રોડની કામગીરી કરાશે, ઉપરાંત કોર્પોરેશનના વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં જૂના રોડ ઉખેડીને નવા રોડ બનાવવા અંગેનું કામ પણ મૂકવામાં આવશે. વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસે હેવન સ્કૂલના ખાંચામાં ૧૨ મીટરનો રોડ અને ચંદ્રનગર સોસાયટીમાં ૯ મીટરના રોડનું કામ હાલ ચાલુ કરવામાંં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી રોડ પર રોડ બનાવવામાં આવતાં રોડનું લેવલ ઊંચું થયું છે. સોસાયટીમાં લોકોના ઘરના પગથિયાં પણ રોડ નીચે દબાઈ ગયાં છે. રોડ ઊંચા થયા છે અને ઘર નીચા થયા છે, જેથી ચોમાસામાં પાણીનો નિકાલ ન થતાં જળબંબાકારના પ્રશ્નો ઊભા થાય છે. આ બે સ્થળે રોડનું કામ મંજૂર કરાયું છે તેમાં રોડ તોડીને નવો બનાવવો તેવો ર્નિણય કર્યો હતો. કોર્પોરેશનના નવા બજેટમાં કામ મંજૂર થયા પછી જૂના રોડ નવા કરાશે તેમાં રોડ ઉખેડીને કામ કરાશે અને ડામર પર ડામર પાથરવાની કામગીરી બંધ કરાશે.