દિલ્હી-

ભારત માં કાતિલ ઠંડી નો ચમકારો શરૂ થઈ ગયો છે અને હિમાલયમાંથી ફૂંકાઇ રહેલા તીવ્ર ઠંડા પવનો ને લઈ દેશની રાજધાની દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ જતા જન જીવન પ્રભાવીત બન્યું હતું. દિલ્હીની સફદરજંગ ઓબ્ઝર્વેટરી ખાતે લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી નોંધાયું છે. પાલમ વેધર સ્ટેશન ખાતે ઠંડીનો પારો ૬.૧ ડિગ્રી નોંધાયો હતો.

જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલપ્રદેશ, અરુણાચલપ્રદેશ, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી રહ્યું છે. હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પૂર્વ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૩ થી પાંચ ડિગ્રી ઘટયું હતું. કાશ્મીર ખીણમાં મોટાભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટથી નીચે જતું રહ્યું છે. શ્રીનગર માં લઘુતમ તાપમાન માઇનસ ૩ ડિગ્રી નોંધાયું હતું. ગુલમર્ગમાં હિમવર્ષાને કારણે તાપમાન ઘટીને માઇનસ ૭.૪ ડિગ્રી પર ગગડયું હતું. ગુલમર્ગ કાશ્મીર ખીણમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. પહેલગામમાં માઇનસ ૫.૬, કુપવાડામાં માઇનસ ૩.૪, કોકેરનાગમાં માઇનસ ૧.૯, કાઝિગુંડમાં માઇનસ ૨.૬ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. જમ્મુ રિજિયનમાં બનિહાલમાં ૧.૦, બાતોતેમાં ૨.૩, ભાદેરવાહમાં ૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.