વડોદરા, તા.૧૧ 

લાૅકડાઉનને કારણે ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હતા. ઘરની બહાર નીકળવાનો પ્રતિબંધ હતો. લોકોની આર્થિક હાલત કફોડી બની હતી, જેના કારણે સરકારે જુદી જુદી રાહતો જાહેર કરી હતી. જેમાં વીજબિલ અંગે જે જાહેરાત કરવામાં આવી હતી એ છેતરામણી સાબિત થઈ હોવાનું આમજનતા માની રહી છે. આજે સરદાર એસ્ટેટ ખાતેની એમજીવીસીએલ ઓફિસે જઈ ભારે વિરોધ-પ્રદર્શન સાથે હોબાળો મચાવ્યો હતો અને સરકારની જાહેરાત અંગે સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું હતું.

કોરોના મહામારીને લઈને વડોદરા શહેરમાં લોકોની આર્થિક હાલત કફોડી બની ગઈ છે તેવા સમયે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આડેધડ આપવામાં આવી રહેલા લાઈટ બિલોની ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. જે લોકોને રૂપિયા ૭૦૦ બિલ આવતું હતું તેવા ગ્રાહકોને રૂપિયા ૧૨,૦૦૦થી ૨૦,૦૦૦ સુધીના બિલો આપવામાં આવતાં ગ્રાહકોએ કંપનીની ઓફિસમાં ધસી જઈને હોબાળો મચાવ્યો હતો. એમજીવીસીએલ દ્વારા આડેધડ આપવામાં આવેલા લાઈટ બિલના પગલે ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. સરકાર દ્વારા ૧૦૦ યુનિટ સુધીના બિલોમાં રાહત આપવાની જાહેરાત કરવા છતાં વીજ કંપની દ્વારા આડેધડ બિલો આપવામાં આવી રહ્યા છે. પરિણામે વડોદરા શહેર-જિલ્લામાં ગ્રાહકોના વીજ ઓફિસોમાં મોરચા આવવાના શરૂ થઈ ગયા છે. આજે ઈન્દ્રપુરી ઝોનના વીજ ગ્રાહકો સરદાર એસ્ટેટ પાસે આવેલા વીજ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આડેધડ આપવામાં આવી રહેલા બિલો અંગે હોબાળો મચાવી વીજબિલો માફ કરવાની માગણી કરી હતી. લાૅકડાઉનમાં મેસેજમાં આવેલા બિલ ભયા છતાં મોટા બિલ ફટકાર્યા હતા. વીજ ગ્રાહકો આરતીબેને જણાવ્યું હતું. વડોદરા શહેરમાં આજકાલ એમજીવીસીએલ દ્વારા આડેધડ લાઈટ બિલો આપવામાં આવી રહ્યા છે જે ગ્રાહોકને સરેરાશ રૂા.૬૦૦થી ૭૦૦નું બિલ આવતું હતું તેવા ગ્રાહકોને રૂા.૧૨,૦૦૦થી ૨૦,૦૦૦ના લાઈટ બિલ ફટકાર્યા છે અને હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે લાૅકડાઉન દરમિયાન મોબાઈલ ફોન પર મેસેજ થકી આપવામાં આવેલા બિલ ભરનાર ગ્રાહકોને પાછલું બાકી લખીને મોટાપાયે બિલ ફટકારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવા પ્રકારની ફરિયાદો રાજ્યભરમાંથી ઊઠી રહી છે ત્યારે આવનારા દિવસોમાં આવા વિરોધ-પ્રદર્શનો શહેર અને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પણ થાય એવી શક્યતાઓ ઊભી થઈ છે.