વડોદરા, તા. ૨૩

હાથીખાના માર્કેટયાર્ડમાં આજે બપોરે દુકાન પાસેથી ગાડી હટાવવાના મુદ્દે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થતા બંને પક્ષે સામસામે હુમલો કરાયો હતો. આ બનાવના પગલે કોઈ ઉશ્કેરાટ ફેલાય તે અગાઉ સિટી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મારામારી કરનાર પાંચ યુવકોની ધરપકડ કરી હતી.

મોગલવાડા વિસ્તારના તાડફળિયામાં રહેતા નિકેશ શંકરભાઈ પટણી થ્રીવ્હીલ ટેમ્પોનું ડ્રાઈવીંગ કરે છે. આજે બપોરે સાડા ચાર વાગે તે હાથીખાના માર્કેટયાર્ડ ખાતે આવેલા શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી ટેમ્પોમાં સામાન ભરતો હતો તે સમયે તેની પાસે આવેલા માર્કેટયાર્ડમાં હમાલીનું કામ કરતા ઝુબેર અખ્તરભાઈ પઠાણ અને રમજાન ઉર્ફ કાજુ સૈયદે જણાવ્યું હતું કે અમારા શેઠ હિંમતભાઈએ જણાવ્યું છે કે એક ટ્રકમાં તેમનો માલ આવે છે જેથી તું ટેમ્પો હટાવી લે. નિકેશે દુકાનનો સામાન ભરાય એટલે ટેમ્પો હટાવી લઉ છું તેમ કહેતા જ ઝુબેરે સામાન ભરેલો ટ્રક તેના ટેમ્પો આગળ લાવીને ઉભો કરી દીધો હતો.

નીકેશે ટ્રક હટાવવાનું કહેતા આ બંનેએ તેને અપશબ્દો કહ્યા હતા જેથી નિકેશ ત્યાંથી નીકળી માર્કેટયાર્ડની અન્ય દુકાને અનાજનો સામાન ભરવા ગયો હતો. જાેકે આ દરમિયાન ઝુબેરનું ઉપરાણું લઈને રમજાન તેમજ અન્ય બે યુવકો અપશબ્દો બોલી તેની પર તુટી પડ્યા હતા અને તેઓએ માર મારી રમજાને બેલ્ટ વડે ફટકા માર્યા હતા. જયારે સામાપક્ષે કારેલીબાગ ઈન્દિરાનગર ઝુપડપટ્ટીમાં રહેતા સૈયદઅબ્દુલ રમજાન ઉર્ફ કાજુ અબ્દુલ મજીદે પણ ફરિયાદ નોંધાવી હતી કે ટેમ્પો હટાવવાના મુદ્દે નિકેશે તેને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો.

બે કોમના યુવકોમાં મારામારીના પગલે સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે બંને યુવકોની સામસામે ફરિયાદ નોંધી બંને ફરિયાદના આરોપીઓ અબ્દુલરમજાન ઉર્ફ કાજાે અબ્દુલમજીદ સૈયદ, ઉવેશ ઉર્ફ બટકો અબરારખાન પઠાણ, ઐયુબ મહેબુબખાન પઠાણ, જુબેર અખ્તર પઠાણ અને નિકેશ પટણીની ધરપકડ કરી હતી.