સુરત,તા.૨૪ 

આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓ માટે પ્લાઝમા આશીર્વાદરૂપ સમાન છે. એક પ્લાઝમા ડોનેરના કારણે આઈસીયુમાં દાખલ બે દર્દીઓને જીવનદાન મળતું હોય છે અને સુરતના ફૈઝલ ચુનારાએ એક કે બે વખત નહિ, પરંતુ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી આઈસીયુમાં દાખલ ૬ દર્દીઓને જીવનદાન આપ્યું છે.

ફૈઝલમાં કોરોનાના લક્ષણો દેખાતા તેને કોરોના ટેસ્ટ કરાવ્યું હતું અને ૧૯ માર્ચના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. દુબઈમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ બિઝનેસ કરનાર ફૈઝલને સરકારી હોસ્પિટલમાં જે રીતે સારવાર આપવામાં આવી તેનાથી પોતાના દેશ અને સરકાર પ્રત્યેનો પ્રેમ બે ગણો થઈ ગયો હતો. ૨ એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી સાજાે થયો હતો. તે દિવસે ફૈઝલે વિચાર કર્યું હતું કે કોરોના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરી દેશનું ઋણ અદા કરશે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. અને પ્લાઝમા આઈસીયુમાં દાખલ ક્રિટિકલ કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોય છે.ફૈઝલ આ વાત જાણતો હતો. આ જ કારણ છે કે તેને એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે. અને ગુજરાતનો પ્રથમ એવો ડોનર બની ગયો છે કે જેને ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે. તેણે ૬ મે, ૭ જુલાઈ અને ૨૩ જુલાઈના પ્લાઝમા ડોનેટ કર્યા છે. એકવાર પ્લાઝમા ડોનેટ કરવાથી આઈસીયુમાં દાખલ બે દર્દીઓને સાજા કરી શકાય છે. એટલે ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કરવાથી ફૈઝલે છ જેટલા દર્દીઓને જીવનદાન આપ્યું છે.