વડોદરા : રાજ્યના પોલીસવડા કડક દારૂ બંધીના અમલની વારંવાર સુચના આપતા હોય કે શહેર પોલીસ કમીશ્નર તરીકે પ્રમાણીક અને શીસ્તના આગ્રહી ડો.સમશેરસિંગની નિમણૂંક હોય શહેરમાં વિદેશી દારૂનું વેચાણ કોઇ અટકાવી શકતું નથી. પોલીસને પડકાર ફેંકતા હોય એમ બુટલેગરોએ હવે ઘરમાં જ નકલી વિદેશી દારૂ બનાવાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી. જેનો પર્દાફાશ સિટી પોલીસે દરોડો પાડી કર્યો છે. મહત્વની વાત તો એ છે કે, ઝડપાયેલો બુટલેગર પત્રકારની આડમાં લાંબા સમયથી દારૂનો વેપલો કરતો હોવાનું બહાર આવ્યું છે.

કિશનવાડી ઝંડા ચોક પાસે વિદેશી દારૂનો વેપલો કરતા નિલેશ કહાર ઉર્ફે ગ૫ુડી નામનો ઇસમ એના ઘરમાં ખાલી બોટલોમાં ડ્રમમમાંથી વિદેશી દારૂ જેવું પ્રવાહી ભરી બુચ મારીને ઉચીં બ્રાન્ડના દારૂ તરીકે વેંચતો હોવાની બાતમી સિટી પોલીસને મળી હતી. જેના આધારે સિટી પોલીસ મથકના પી.એસ.આઇ સંજય દેસાઇએ ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. એ દરમિયાન પોલીસને વિદેશી દારૂ જેવું પ્રવાહી ભરેલા બે મોટા પીપ, ત્રણ કારબા, વિવિધ બ્રાન્ડનાં દારૂની ખાલી બોટલો અને એની ઉપરના બુચ અને ઢાંકણના બે કોથળા મળી આવ્યા હતાં. એ જાેઇ પોલીસની ટીમને નકલી વિદેશી દારૂ બનાવી વેંચવામાં આવતો હોવાનું લાગ્યું હતું.

પોલીસે તપાસ કરતાં પત્રકારના નામે નિલેશ કહાર લાંબા સમયથી દારૂ બનાવીને વેંચતો હોવાનું કહેવાય છે. આ નિલેશ દ્વારા જુલ્મકી આવાઝના નામે ચેનલ અને સાપ્તાહીક પેપર ચલાવી ગુનેગારો અને લારીઓ ચલાવનારાઓને કાર્ડ વેચવામાં આવતા હોવાનું માનવામાં આવે છે. જેમાં આરીફ શેખ દ્વારા તો રીતસર ખંડણી અને હપ્તા ઉઘરાવાતા હોવાનું ચર્ચાય છે. જ્યારે નિલેશની સાંઠગાઠ કુખ્યાત સુરજ ચુઇ સાથે પણ હોવાનું ચર્ચાય છે. મોડી રાત સુધી નકલી દારૂની ફેક્ટરી અંગે પી.આઇ વાણીયા કે પીએસઆઇ સંજય દેસાઇએ કોઇ જાણકારી આપી નહીં હોવાથી મામલામાં ભીનું સંકેલવાનો પ્રયાસ ચાલતો હોવાનું માનવામાં આવે છે.

ગમે ત્યારે લઠ્ઠાકાંડ થઇ શકે

પોલીસે ઝડપેલી નકલી દારૂની ફેક્ટરીમાંથી વેંચાયેલા દારૂ દ્વારા ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાઇ શકે એવી શક્યતાઓ હોવા છતાં સિટી પોલીસ આ મામલાને ગંભીરતાથી લેતી નથી. પીપડામાં ભરાયેલા કેમીકલને ખાલી બોટલોમાં ભરી પેક કરવામાં આવતા હોવાનું ઝડપાયેલા પીપડા, કારબા અને બોટલો અને ઢાંકણા પરથી સ્પષ્ટ થાય છે તેમ છતાં પોલીસ આ મામલે ભીનું સંકેલી રહી છે.