વડગામ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલ સીવીલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટરો, નર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની અથાક મહેનત અને સેવાઓ રંગ લાવી રહી છે. ૮૫ વર્ષીય દાદી મા કમળાબેન ઠક્કર કે જેઓ કોરોનાથી સંક્રમિત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ર્ડાકટરો દ્વારા કરવામાં આવેલ સુંદર સારવાર અને હોસ્પિટલની માવજતના કારણે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. કોવિડ-૧૯ હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડૉક્ટરો, નર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સેવાઓથી દર્દીઓ સ્વસ્થ- સાજા થઇ તેમના ઘરે પરત ફરી રહ્યા છે. પાલનપુર શહેરમાં રહેતા ૮૫ વર્ષીય દાદી કમળાબેન મહાદેવભાઈ ઠક્કરનો ૨૧ ઓગસ્ટના રોજ ટેસ્ટ કરવામાં આવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની ઉંમરના પ્રમાણમાં સઘન સારવાર જરૂરી હોઇ, આરોગ્ય કર્મચારીઓ દ્વારા પાલનપુર ખાતે કાર્યરત હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. જ્યાં કમળાબેન ઠક્કરને ૨૧ દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ઘરે જવાની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દાદીમાં સાજા થતાં તેમના કુંટુંબમાં બાળકો અને તેમના પુત્રો પરથી મોટી ઘાત ટળી હોય તેમ ઘરમાં ખુશી છવાઇ છે. કોરોનાને હરાવનાર કમળાબેન ઠક્કરે હોસ્પિટલની સેવાઓ અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેવા સમયે ડૉક્ટરોએ ભગવાનની ભૂમિકા ભજવી મને સાજી કરી છે. તેમણે કહ્યું કે, ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા ૨૪ કલાક મારી દેખરેખ અને સંભાળ રાખવામાં આવતી હતી. જેના લીધે હું સ્વસ્થ થઇ છું. તેમણે ર્ડાકટરો અને સરકારનો આભાર માનતાં કહ્યું કે, હોસ્પિટમાં સારી રીતે મારી સારસંભાળ રાખવામાં આવી છે.