ગાંધીનગર-

ગુજરાતના જાણીતા નાટ્યકાર અને લેખક ભરત દવેનું નિધન થયુ છે. તેમણે ગુજરાતના કલાસંસ્કૃતિ ક્ષેત્રે આપેલું યોગદાન અતિમૂલ્યવાન રહ્યુ છે. તેમને ૧૯૯૦માં રંગભૂમિ પર કરેલા તેમના પ્રદાન માટે ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલા. તેમની એક જાણીતી ટેલિવિઝન શ્રેણી ભલા ભૂસાના ભેદભરમ અને નાટક માનવીની ભવાઈ માટે ક્રિટિક્સ સંધાન એવર્ડ મળેલો.

ઈસરો તરફથી પાણી બચાવો નામની એકવીસ સેકંડની વીડિયો સ્પોટ માટે કેરળ ખાતે આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી ફિલ્મ ફેસ્ટિવલમાં દ્વિતીય પારિતોષિક મળેલું. પ્રતિષ્ઠિત કુમાર સામાયિકમાં છપાતી લેખમાળા ચળવળ નામે નાટક માટે તેમને ૨૦૧૬નો કુમાર સુવર્ણચંદ્રક તેમના પુસ્તક વાસ્વવાદી નાટક માટે સુરતની નર્મદ ગુજરાતી સભા તરફથી ૨૦૧૨થી ૨૦૧૬ના સમયગાળાનો નર્મદ ચંદ્રક જાહેર થયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે નાટ્યકલા પરના તેમના બે પુસ્તકોને પારિતોષિકો આપીને સન્માનિત કર્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ તેમના પુસ્તક મહાન પાશ્વાત્ય ચિંતકોને પુરસ્કૃત કર્યુ છે.