અમદાવાદ-

ગુજરાતી ભાષાના ગીત - સંગીતનાં શિરમોર ગાયિકા, ગુજરાતનાં 'કોકીલ કંઠી' તરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું મુંબઈમાં નિધન થયું છે. એ 93 વર્ષનાં હતાં. ગઈ કાલે મધરાત બાદ લગભગ બે વાગ્યે એમણે આખરી શ્વાસ લીધો હતો.

કૌમુદીબેને એમનાં સ્વર વડે ગુજરાતી સુગમ સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. એમણે ઠુમરી, ગઝલ વગેરે માટે જાણીતાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા સિદ્ધેશ્વરી દેવી પાસેથી તાલીમ મેળવી હતી. કૌમુદીબહેન મુનશી જાણીતાં સંગીતકાર, ગીતકાર સ્વ. નીનૂ મઝુમદારના પત્ની હતાં અને ગાયક ઉદય મઝુમદારના માતા હતાં. 1929ની 3 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલાં કૌમુદીબેને ગુજરાતી ભાષામાં ગાયેલાં ભજન અને ગરબા એટલાં જ લોકપ્રિય થયાં છે. મૂળ ગુજરાતના વડનગરનાં હતાં, પણ એમનાં જન્મના અનેક દાયકાઓ પૂર્વે એમનાં પૂર્વજ બનારસમાં સ્થાયી થયા હતા. તેથી કૌમુદીબેન હિન્દીભાષામાં નિપુણ બન્યાં હતાં. એમનાં માતા અનુબેન જાણીતા ગુજરાતી સાહિત્યકાર રમણલાલ દેસાઈનાં બહેન હતાં. પારિવારિક મિત્ર નીનુ મઝુમદાર સાથે 1954માં કૌમુદી મુનશીનાં લગ્ન થયાં હતાં.