દિલ્હી-

ત્રણ નવા કૃષિ કાયદા સામેના ખેડૂતોના આંદોલને હવે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. અત્યાર સુધી શાંત રહેલા આંદોલનમાં હવે હિંસક બનાવો સામે આવી રહ્યા છે. ૨૬મી જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ બાદ આજે પણ દિલ્હીની બોર્ડર પર તનાવપૂર્ણ માહોલ છે.

ત્યારે હરિયાણાની ભાજપ સરકારે એક મોટો ર્નિણય લીધો છે. ખેડૂત આંદોલનના ઉગ્ર સ્વરુપને ધ્યાનમાં રાખીને રાજ્યના ૧૪ જિલ્લામાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. જેની સાથે જ હરિયાણાના કુલ ૧૭ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ થયું છે. કારણ કે આ પહેલા સરકારે ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો હતો.

રાજ્યના સૂચના વિભાગે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે તાત્કાલિક અસરથી અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાનીપત, હિસાર, જીંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાડી અને સિરસા જિલ્લામાં વોઇસ કોલને છોડીને તમામ ઇન્ટરનેટ સેવાઓ ઉપર ૩૦ જાન્યુઆરી ૨૦૨૧ રાત્રે ૫ વાગ્યા સુધી બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોનીપત, પલવલ અને ઝજ્જરમાં પહેલાથી જ ઇન્ટરનેટ બંધ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-હરિયાણી સિંઘુ બેર્ડર ખેડૂત આંદોલનનું કેન્દ્ર છે. અહીં બે મહિના કરતા પણ વધારે સમયથી ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં સિંઘુ બોર્ડર પર આજે હિંસક ઘર્ષણ થયું છે જેના કારણે ઇન્ટરનેટ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.