આણંદ : રાજ્યના કિસાનોના હિતાર્થે ગુજરાત સરકાર દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓથી ખેડૂતો માહિતગાર થાય તેનો મહત્તમ લાભ લે તે હેતુસર કાલે તા.૨૮ના રોજ આણંદ જિલ્લામાં ક્લસ્ટર મુજબ કિસાનો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નર્મદા, શહેરી અને ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી યોગેશભાઇ પટેલના અધ્ય્ક્ષસ્થાને અને આણંદના સાંસદ મિતેષભાઇ પટેલના મુખ્યે મહેમાનપદે આયોજન કરવામાં આવ્યું છે.   

કાલે તા.૨૮ના રોજ સવારના ૧૦ કલાકે બોરસદ અને આંકલાવ તાલુકાના કિસાનો માટે બોરસદ ખાતે જલારામ મંદિર હોલમાં આ કાર્યક્રમ યોજાશે. આણંદ, ઉમરેઠ અને સોજિત્રાના કિસાનો માટે બપોરના ૧ઃ૩૦ કલાકે આણંદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના બીએસીએ ઓડિટોરિયમ હોલ અને પેટલાદ, ખંભાત અને તારાપુરના કિસાનો માટે બપોરના ૪ કલાકે ધર્મજ ખાતેના જલારામ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. સંબંધિતોને ગાઇડલાઇનના ચૂસ્તાપાલન સાથે ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શિષકુમારએ જણાવ્યું હતું.